સરદાર સરોવર ડેમમાં નવા નીરની આવક, સિઝનમાં પહેલીવાર 130 મીટર જળસ્તર
નર્મદા: ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીના ઉપરવાસમાં વરસેલ ભારે વરસાદને પગલે નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. જેને પગલે ડેમમાં જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે, પાણીની ભરપૂર આવક થતાં સરદાર સરોવરનું જળસ્તર વધીને સિઝનની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયું છે.
મળતી માહિતી મુજબ, ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં જળ સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જેને પગલે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 130 મીટરને પાર પહોંચી ગયો છે.
જાણવા મળી રહ્યું છે કે, ઉપરવાસમાંથી 3,67,084 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી પાણીની ધરખમ આવક થતાં નર્મદા ડેમની સપાટી હાલ 130.41 મીટરે પહોંચી ગઈ છે. તો સાથે સાથે, હાલ નર્મદા ડેમમાં 2505.04 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો સંગ્રહ થયો છે. તેમજ હાલ સરદાર સરોવર નર્મદા ડેમ 65 ટકા જેટલો ભરાઈ ગયો છે.
વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 128.69 મીટર સુધી પહોંચી છે. તા. 9 ઓગસ્ટ બપોરે 3.00 કલાક સુધી ડેમમાં કુલ 3.54 લાખ કયુસેક પાણીની આવક થઇ છે.
સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ 9460 મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના 70 ટકા એટલે કે, 6622 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે.
સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે 28,464 કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.