રશિયામાં આતંકી હુમલા મામલે PM મોદીનું ટ્વીટ – અમે રશિયા સાથે છીએ

ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ રશિયાની રાજધાની મોસ્કોમાં એક કોન્સર્ટ હોલમાં આતંકવાદી હુમલો થયો છે. જેમાં 60થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અંગે વડાપ્રધા નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘અમે મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારા વિચારો અને પ્રાર્થના પીડિત પરિવારો સાથે છે. ભારત આ દુઃખની ઘડીમાં સરકાર અને રશિયન ફેડરેશનના લોકો સાથે ઊભું છે.’
We strongly condemn the heinous terrorist attack in Moscow. Our thoughts and prayers are with the families of the victims. India stands in solidarity with the government and the people of the Russian Federation in this hour of grief.
— Narendra Modi (@narendramodi) March 23, 2024
શું છે સમગ્ર ઘટના?
રશિયાની રાજધાની મોસ્કોમાં આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 60થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. રશિયન મીડિયાના અહેવાલ અનુસાર, મોસ્કો નજીક ક્રોક્સ સિટી હોલમાં કોન્સર્ટ દરમિયાન આતંકવાદીઓએ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ હોલમાં વિસ્ફોટક બ્લાસ્ટ પણ કર્યા હતા. તેને કારણે હોલમાં ભીષણ આગ લાગી હતી. હુમલા બાદ વિશેષ પોલીસ દળે ચાર્જ સંભાળી લીધો છે. આ સાથે જ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી લીધી છે. આ અંગે ISએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
આ પણ વાંચોઃ જાણો કોણ છે IS ખોરાસાન, જેણે રશિયામાં ઘુસી આતંકી હુમલો કર્યો
60 લોકોના મોત નીપજ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણથી ચાર બંદૂકધારીઓએ એકસાથે લોકો પર ગોળીબાર શરૂ કર્યો હતો. તેમાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા છે. પોલીસની ટીમ લોકોને બહાર કાઢવામાં અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં કામે લાગી ગઈ છે. કટોકટી સેવાઓના મંત્રાલયે જણાવ્યું હતું કે, ગોળીબાર પછી લગભગ 100 લોકો થિયેટરના ભોંયરામાંથી ભાગવામાં સફળ થયા હતા. જ્યારે અન્ય છત પર છુપાઈ ગયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રોક બેન્ડના તમામ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં છે.
કેટલાક લોકોને બંધક બનાવ્યા
રશિયન મીડિયા અનુસાર, હુમલાખોરોએ વિસ્ફોટકોનો પણ ઉપયોગ કર્યો હતો. જેના કારણે હોલમાં વિસ્ફોટ થયો હતો અને ભીષણ આગ લાગી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ક્રોક્સ કોન્સર્ટ હોલમાં થયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા છે અને લગભગ 100 લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર, આતંકીઓએ સેંકડો લોકોને બંધક પણ બનાવ્યા છે. જો કે, હજુ સુધી બંધકોની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ મોસ્કોમાં આતંકવાદી હુમલોઃ 60 લોકોના મોત, 100થી વધુ ઇજાગ્રસ્ત
રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું – આ આતંકવાદી હુમલો
રશિયાએ ફાયરિંગની ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવતા તેની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ઘૃણાસ્પદ અપરાધની નિંદા કરવી જોઈએ. મોસ્કોના મેયરે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, હુમલા બાદ મોસ્કોમાં તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા છે. રશિયન એજન્સીઓએ મોસ્કોમાં એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દીધી છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાને ભયાનક ગણાવ્યો હતો. જો કે, તેમણે કહ્યું કે, આ હુમલો યુક્રેન યુદ્ધ સાથે સંબંધ ધરાવતા હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી.