RTEમાં એડમિશન લેવા ધસારો, અમદાવાદમાં 8 હજાર સીટ સામે 33 હજારથી વધુ રજિસ્ટ્રેશન
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ગરીબ અને વંચિત જૂથના વિદ્યાર્થીઓ પણ સારામાં સારૂ શિક્ષણ મેળવે તે હેતુથી આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં રેકોર્ડ બ્રેક 33200થી વધુ ફોર્મ આરટીઇ અંતર્ગત ભરવામાં આવ્યા છે. જેમાં 20 હજારથી વધુ ફોર્મ ડીઇઓ કચેરી દ્વારા એપ્રૂવ કરી દેવામાં આવ્યા છે.
30 માર્ચ સુધી ફોર્મ ભરી શકે
રાજ્યમભરમાં આરટીઇ અંતર્ગત એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. વાલીઓ આરટીઇની વેબસાઇટ પરથી પોતાના બાળકનું ફોર્મ આગામી 30મી માર્ચ સુધી ભરી શકે છે. ત્યારે અમદાવાદમાં પણ મોટી સંખ્યમાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં 33 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો
રાજ્યમાં 75 હજારથી વધુ સીટ માટે આરટીઇ એડમિશનની પ્રક્રીયા યોજાઈ રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ આ વર્ષે 8010 સીટો માટે પ્રવેશ કાર્યવાહી થઈ રહી છે. જે બાળકોની ઉંમર 6 વર્ષ પૂર્ણ થઈ હોય તેવા જ વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવી શકશે.
3600 ફોર્મ ચકાસવાના બાકીઃ ડીઇઓ
આ અંગે અમદાવાદના ડીઇઓ રોહિત ચૌધરીએ જણાવ્યુ હતુ કે, અમદાવાદમાં 8010 સીટો માટે પ્રવેશ પ્રક્રિયા યોજાઈ રહી છે. તે માટે આ વર્ષે 33200 જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. તેમાંથી 21200 વિદ્યાર્થીઓના ફોર્મ એપ્રૂવ પણ થઈ ચુક્યા છે અને 3600 જેટલા ફોર્મની ચકાસણી બાકી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અન્ય ફોર્મ વિવિધ કારણોસર રીજેક્ટ થયા છે.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ અંગે વાંધાજનક ટિપ્પણીનો મામલે રૂપાલા સામે બદનક્ષીની ફરિયાદ
જે વિદ્યાર્થીઓના ફોર્મ રીજેક્ટ થયા છે, તેવા વિદ્યાર્થીઓના વાલીઓને ક્યા કારણોસર તેમનું ફોર્મ રીજેક્ટ થયું છે, તેની માહિતી આપવામાં આવી છે. જે પણ વાલીઓએ અધૂરા ફોર્મ ભર્યા છે અથવા તો કોઇ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું બાકી રહી ગયું હોય તેવા વિદ્યાર્થીઓના ફોર્મ રિજેક્ટ થયા છે, પરંતુ તેમને પણ એક તક આપવામાં આવશે. આગામી પહેલી એપ્રિલથી ત્રીજી એપ્રિલ સુધી રીજેક્ટ થયેલા ફોર્મમાં વાલીઓ અધુરા ડોક્યુમેન્ટ અને વિગતો ભરી શકશે.
આરટીઇના વિદ્યાર્થીઓને અલગ કલાસમાં બેસાડીને અભ્યાસ કરાવાવમાં આવતો હોવાની પણ અનેક ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદના ડીઇઓ દ્વારા તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે કે, કોઇપણ પ્રકારના ભેદભાવ ચલાવી લેવામાં આવશે નહીં. શાળાઓ આરટીઇના વિદ્યાર્થીઓેને મૂળ પ્રવાહમાં લાવવા માટે વધુ ક્લાસ લેવા જોઇએ, પરંતુ જો આ પ્રકારની ફરિયાદ આવશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી ડીઇઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.