May 9, 2024

કોંગ્રેસને ઈન્કમટેક્સની નોટિસ, 1700 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

અમદાવાદ: ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસ પાર્ટીને 1700 કરોડની રિકવરી નોટિસ ફટકારી છે. આ નોટિસ વર્ષ 2017-18થી લઈને 2020-21 માટે મોકલવામાં આવી છે. IT ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસમાં ટેક્સની સાથે દંડ અને તેના વ્યાજની રકમને પણ જોડવામાં આવી છે. આ પહેલા ગુરૂવારે જ દિલ્હી હાઈકોર્ટે પણ કોંગ્રેસને રાહત આપવાથી ઈનકાર કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં કોંગ્રેસ દ્વારા એક નવી અરજી કરવામાં આવી છે. જેમાં 2017-18થી લઈને 2020-21 સુધી ટેક્સ વસૂલાતને લઈને નોટિસનો વિરોધ કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલો શું છે?
ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે આવકવેરા વિભાગ વિરુદ્ધ કોંગ્રેસની અરજીને ફગાવી દીધી હતી. અગાઉ કોંગ્રેસે પણ 2014-15થી 2016-17 સુધીના ટેક્સની વસૂલાત અંગે અરજી કરી હતી. જેને પણ કોર્ટે ફગાવી દીધી હતી. નવી પિટિશન પણ એ જ જૂના આધાર પર ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે અગાઉના આદેશમાં કહ્યું હતું કે, જ્યારે ટેક્સ આકારણીની છેલ્લી તારીખ નજીક આવી ત્યારે કોંગ્રેસે અરજીનો માર્ગ અપનાવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આવકવેરા વિભાગે કોંગ્રેસ વિરુદ્ધ નક્કર પુરાવા એકત્રિત કર્યા છે. આ સાથે કોંગ્રેસને જૂની અરજી પર પણ કોઈ રાહત મળી નથી. નોંધનીય છેકે 2014-15 થી 2020-21 સિવાય હવે તે 2021-22 થી 2023-24 સુધી ટેક્સ એસેસમેન્ટની રાહ જોઈ રહી છે. આ મૂલ્યાંકન 31 માર્ચ, 2024 પછી જારી કરી શકાય છે. એ બાદ એકંદરે પક્ષ પર 10 વર્ષ માટે ટેક્સ આકારણીનો બોજ રહેશે.

આ પણ વાંચો: ભાજપ-કોંગ્રેસમાંથી કયા કયા નેતાઓએ ચૂંટણી લડવાથી પીછેહઠ કરી?

નિયમોનું ઉલ્લંઘન કર્યું
નોંધનીય છે કે અગાઉ આવકવેરા વિભાગે કોંગ્રેસના ખાતામાંથી 135 કરોડની વસૂલાત કરી હતી. કોંગ્રેસ તરફથી આ વસૂલાત 2018-19 માટે કરવામાં આવી હતી. હકીકતમાં કોંગ્રેસે આવકવેરો ભરવાની છેલ્લી તારીખના એક મહિના પછી તેના કાગળો સબમિટ કર્યા હતા અને તે નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હતું. જેના હેઠળ તેને આવકવેરો ભરવામાંથી મુક્તિ આપવામાં આવી હોત. આ વર્ષે કોંગ્રેસના આવકવેરાના દસ્તાવેજો દર્શાવે છે કે તેને દાન તરીકે 14 લાખ રોકડ મળ્યા હતા. આ નિયમોની વિરુદ્ધ છે. નિયમ એવો છે કે કોઈપણ પક્ષ 2000થી વધુનું દાન રોકડમાં સ્વીકારી શકે નહીં. કોંગ્રેસે આ નિયમનો ભંગ કર્યો છે જેના કારણે તેને ટેક્સમાં છૂટ મળી નથી. પાર્ટીએ તેની સામે અરજી પણ કરી હતી.

શું છે કોંગ્રેસનો આરોપ?
કોંગ્રેસે આ નોટિસો અને આવકવેરા વિભાગની રિકવરી કાર્યવાહી પર આરોપ લગાવતા કહ્યું કે, સરકાર ચૂંટણી પહેલા તેમના ખાતા જપ્ત કરી રહી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પાર્ટી પાસે ચૂંટણી લડવા માટે પણ ફંડ નથી. ચૂંટણી પ્રચાર વગેરે માટે પણ તેમની પાસે પૈસા નથી. જો કે, આવકવેરા વિભાગનું કહેવું છે કે તે માત્ર તેની વસૂલાત કરી રહ્યું છે. તેમણે કોઈ ખાતાને ફ્રીઝ કર્યા નથી. બીજી તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ મામલે કહ્યું કે કોંગ્રેસ તેને ચૂંટણીનો મુદ્દો બનાવી રહી છે.