September 8, 2024

‘વરસાદી છાંટણા’થી ઘરોમાં ભરાતા પાણીથી શક્તિનગરના રહીશો ત્રસ્ત, ધરણાની ચીમકી ઉચ્ચારી

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના શક્તિનગર વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ લોકોના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમાંમ પોકારી ઊઠ્યા છે. જોકે, તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે હવે સમસ્યાથી ત્રાહિમામ પુકારે ઊઠેલા લોકો જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે અને સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે અને જો હવે સમસ્યાનો ઉકેલ નહીં લવાય તો સ્થાનિકોએ ધરણા કરવાની ચિંમકી ઉચ્ચારી છે.

બનાસકાંઠા જિલ્લાના મથક પાલનપુરમાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર સહીત ડ્રેનેજની અલગ અલગ લાઈનો નાખવામાં આવી છે. પરંતુ, તેમ છતાં પણ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જેમાંનો એક વિસ્તાર એટલે પાલનપુરનો શક્તિનગર વિસ્તાર. આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ લોકોના ઘરોમાં પાણી ઘૂસે છે અને આ સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જોકે, ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી આ જ સુધીમાં સામાન્ય વરસાદમાં જ ત્રણ ત્રણ વખત સ્થાનિકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે.

 

 

જોકે જે સમયે ઘરોમાં પાણી ઘૂસે અને સ્થાનિકો પાલિકાને જાણ કરે તો માત્ર પાલિકા સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ વરસાદી પાણી પંપો દ્વારા ખેંચી દે છે. પરંતુ, સમસ્યાનો કોઈ કાયમી હલ લાવતી નથી અને તેને જ કારણે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જોકે, થોડા દિવસો અગાઉ ત્રાહિમામ પોકારી ઊઠેલા સ્થાનિકોએ પાલનપુર નગરપાલિકા ખાતે પહોંચી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પાલનપુર નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી.

 

શક્તિનગરના સ્થાનિકોએ રૂબરૂ રજૂઆત કરીને ફરિયાદ કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવ્યો અને ત્યારબાદ ફરી સામાન્ય વરસાદ થયો. તેમાં ફરી વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે હવે સ્થાનિકોની માંગ છે કે તંત્રએ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ.

જો કોઈ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકોએ ધરણાં પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે, મહત્વની વાત છે કે, પાલિકાએ ભૂગર્ભ અને ડ્રેનેજની લાઈન માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ, તે બાદ પણ કોઈ ઉકેલ ન આવતા સરકારના લાખો કરોડોનો ધુમાડો થયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તંત્ર હવે ઉકેલ લાવે તેવી સ્થાનિકોની માંગ છે.