September 8, 2024

PM મોદીના વડનગર ગામમાંથી 2800 વર્ષ જૂની વસાહતના અવશેષો મળ્યા

અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાંથી 2800 વર્ષ જૂની વસાહતના અવશેષો મળી આવ્યા છે. આ અંગે આઈઆઈડી ખડગપુરના જીઓલોજી અને જીઓફિઝિક્સના પ્રોફેસર ડો.અનિંદ્યે સરકારે જણાવ્યું કે અમે છેલ્લા ચાર વર્ષથી વડનગરમાં ASI સાથે કામ કરી રહ્યા છીએ. અમને એક બહુ જૂના બૌદ્ધ મઠ વિશે ખબર પડી છે. ASI 2016થી આના પર કામ કરી રહ્યું છે અને આ સ્થળ પર 20 મીટર સુધી ખોદકામ થઇ ચૂક્યું છે. વડનગરનો ઈતિહાસ ઘણો જૂનો છે. વધુમાં કહ્યું કે અહીં ખોદકામ દરમિયાન સાત સાંસ્કૃતિક સ્તરો બહાર આવ્યા છે. સૌથી જૂની માનવ વસાહત 2800થી 3000 વર્ષ જૂની છે. ત્યાર બાદ પુરાતત્વીય વિભાગના નિરીક્ષક મુકેશ ઠાકોરે પણ પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં મળી આવેલા 2800 વર્ષ જૂના વસાહતના અવશેષો પર પ્રતિક્રિયા આપી છે.

લગભગ 30 જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવ્યું
પુરાતત્વીય વિભાગના નિરીક્ષક મુકેશ ઠાકોરે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારથી વડનગરમાં ખોદકામ ચાલુ છે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ અવશેષો મળી આવ્યા છે. અહીં એક લાખથી વધુ અવશેષો મળી આવ્યા છે. આ સભ્યતા જોઈને એવું લાગે છે કે અહીં પાણીની વ્યવસ્થા અને પાણીનું સ્તર હોવું જોઈએ. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું કે વડનગરમાં અત્યાર સુધીમાં લગભગ 30 જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવ્યું છે. ખોદકામ દરમિયાન મળેલા પુરાવાઓને જોતા એવું લાગે છે કે અહીં વિવિધ ધર્મો – બૌદ્ધ, જૈન અને હિંદુ ધર્મના લોકો ખૂબ જ સુમેળમાં રહેતા હતા. બીજી બાજુ  વડનગરમાં ઈન્ડો-ગ્રીક શાસન દરમિયાનના ગ્રીક રાજા એપોલોડેટસના સિક્કાના મોલ્ડ પણ મળી આવ્યા છે. આ સાથે સાથે સૌથી જૂનો બૌદ્ધ મઠ પણ ખોદકામ દરમિયાન મળી આવ્યો હતો. અનોખી પુરાતત્વીય કલાકૃતિઓ, માટીના વાસણો, તાંબુ, સોનું, ચાંદી અને લોખંડની વસ્તુઓ અને બારીક ડિઝાઇન કરેલી બંગડીઓ પણ મળી છે.