May 19, 2024

આંખની હોસ્પિટલ અને આરોગ્ય વિભાગના મોતિયા મરી ગયા, ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કર્યો દાખલ

અમદાવાદ: માંડલ મોતિયા ઓપરેશન મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સમગ્ર ઘટનાને ધ્યાને લઇ સુઓમોટો દાખલ કરી છે. વિરમગામની રામાનંદ ચેરીટેબલ હોસ્પિટલમાં આંખનું ઓપરેશન કરાવવાથી અનેક લોકોએ દ્રષ્ટિ ગુમાવી હોવાનું સામે આવ્યું હતું. ઓપરેશન સમયે કંઈ કંઈ બેદરકારી દાખવી હતી અને મેડિકલ પ્રોટોકોલનું પાલન થયું છે કે કેમ તે અંગે હાઇકોર્ટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાસે જવાબ માંગ્યો છે. ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવવામાં આવી છે. અહેવાલ અનુસાર ન્યાયાધિશ એ.એસ.સુપેહિયા અને ન્યાયાધિશ વિમલ વ્યાસની બેન્ચે સુઓમોટો સંજ્ઞાન લઈને આ મામલે સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. આ સુઓમોટોની વધુ સુનાવણી આગામી 7 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

શું છે સમગ્ર મામલો?
જિલ્લાના વિરમગામ ખાતે માંડલ ટ્રસ્ટની શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારી સામે આવી છે. ટ્રસ્ટ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 15થી વધુ દર્દીઓને ઈન્ફેક્શન લાગ્યું હતું અને પાંચ દર્દીઓને આંખે દેખાવાનું જ બંધ થઈ ગયું હતું. દર્દીઓના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીથી ઓપરેશન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. કેટલાંક દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. હોસ્પિટલની બેદરકારીને કારણે ફરિયાદ નોંધાયી હતી. દર્દીઓની ફરિયાદ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા
નાયબ નિયામકે જણાવ્યું હતું કે ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તપાસ હાથ ધરવા માટે નવ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી દીધી છે. વધુમાં તેમણે કહ્યું કે માંડલ ગામની આંખની હોસ્પિટલને આગામી આદેશો સુધી મોતિયાના કોઈ ઓપરેશન ન કરવા માટે કહેવામાં આવ્યું છે. વધુમાં ઉમેર્યું કે 10 જાન્યુઆરીએ માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં સર્જરી કરાવનાર પાંચ લોકોને સોમવારે સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં મોકલવામાં આવ્યા હતા. માંડલ હોસ્પિટલમાં 29 લોકોએ મોતિયાના ઓપરેશન કરવમાં આવ્યાં હતા જેમાંથી 17 દર્દીઓએ ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો : માતા બન્યાના બે દિવસ પછી ઈન્ટરવ્યુ માટે બોલાવાથી HCની GPSCને ફટકાર

હોસ્પિટલે આ મહિને 100 સર્જરી કરી હતી
મોતિયા ઓપરેશન કાંડ બાદ વધુ 12 દર્દીઓને સારવાર અર્થે અમદાવાદ આંખની હોસ્પિટલમાં લવાયા હતા. બીજી બાજુ હોસ્પિટલના ડાયરેકટરનું નિવેદન આવ્યું સામે છે જેમાં તેમણે જણાવ્યું કે એક્સપર્ટ ડોકટરોની ટીમ માંડલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે ગઈ છે અમારી 2 ટીમ ત્યાં તપાસ માટે ગઈ છે અને એક ટીમ વિરમગામ હાજર છે. ગઇ કાલે રાત્રે કેટલાંક દર્દીઓને અહીંયા લવાયા છે. દર્દીઓની  સોનોગ્રાફીને માઈક્રોસ્કોપી કરાઈ છે અને ડ્રોપ, ઇન્જેક્શન અને દવાઓ પણ ચાલુ કરી દીધી છે, વધુમાં કહ્યું કે હાલ અહીંયા લવાયેલા દર્દીઓની હાલત સ્થિર છે. અમારી ટીમ તેમની આંખો ની રોશની બચવાના પ્રયત્ન કરી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે પહેલા પણ ઓપરેશન થયા ત્યારે કોઇ દર્દીઓ તકલીફ થઈ નથી. મલ્ટી ફેક્ટર ઇન્ફેક્શન હોઈ શકે હાલમાં કઈ કહી શકાય તેમ નથી. હાલ તપાસ ચાલુ છે. બીજી બાજુ દર્દીઓએ આરોપ લગાવ્યો છે કે તેમને ઓપરેશન બાદ આંખોથી ઓછું દેખાય છે આંખોમાંથી સતત પાણી પડે છે અને આંખો લાલાશ થઇ ગઇ છે. વધુમાં કહ્યું કે દર્દીઓની સારવાર માટે અમદાવાદથી ડોકટરોને બોલાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હોસ્પિટલે આ મહિને લગભગ 100 મોતિયાના ઓપરેશન કર્યાં છે. નોધનીય છે કે વિરમગામમાં અહીં મોતિયાના ઓપરેશન કરાવનાર તમામ દર્દીઓની તપાસ કરવા માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સારવાર હેઠળ રહેલા 12 દર્દીઓમાંથી બે મહિલાઓએ તેમની આંખોની રોશની સંપૂર્ણપણે ગુમાવી દીધી છે. હોસ્પિટલે મોતિયાના ઓપરેશન માટે દરેક દર્દી પાસેથી 3,100 રૂપિયા લીધા હતા.