અમદાવાદના પાલડી VHP કાર્યાલય ખાતે રામ નવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી
અમદાવાદ: રામ જેમનુ નામ છે, અયોધ્યા જેમનુ ધામ છે, એવા રઘુનંદનને અમારા પ્રણામ છે. આજે સમગ્ર દેશમાં રામનવમીના તહેવારની ઉમંગભેર ઉજવણી થઇ રહી છે. પ્રભુ શ્રીરામના ભક્તો તેમના જન્મોત્સવને લઇ ખુબ જ ખુશ છે અને દેશમાં ઠેર-ઠેર રામનવમીની શોભાયાત્રાઓ નીકાળવામાં આવી રહી છે. ત્યાં જ આજે અમદાવાદાના પાલડી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન રામની જન્મજયંતિ ‘રામનવમી’ નિમિતે અમદાવાદ સહિત રાજ્યભરમાં આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી થઇ રહી છે. મંદિરોમાં ભગવાન રામના જન્મોત્સવનું વિશિષ્ટ આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આજે શહેરના પાલડી વિસ્તારમાં VHP કાર્યાલય ખાતે રામ નવમી નિમિતે શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ હતું.ભગવાન શ્રીરામની આ શોભાયાત્રા વાસણાથી પાલડી VHP કાર્યાલય સુધી નીકળી હતી.
આ શોભાયાત્રામાં કેટલાક બાળકો ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણની વેશભુષામાં જોવા મળ્યા હતા. તો મહિલાઓ અને પુરૂષો શોભાયાત્રામાં ગરબાના તાલે ઝુમી ઉઠ્યા હતા. સાથે જ કેટલાક કિશોરોએ આ શોભાયાત્રામાં કરતબ પણ કર્યા હતા.
આ પણ વાંચો: રામનવમીની ભસ્મારતીમાં શ્રીરામ સ્વરૂપમાં સજ્યા બાબા મહાકાલ
અમદાવાદના પાલડી VHP કાર્યાલય ખાતે રામ નવમી નિમિત્તે શોભા યાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોવા મળ્યા હતા. આ શોભાયાત્રામાં ટ્રેક્ટર, છોટાહાથી, કાર, બાઇક અને બેન્ડબાજા સહિતના વાહનો જોડાયા હતા.