September 8, 2024

રાજ્યસભામાં સુરેન્દ્રનગરની ગેરકાયદેસર ખાણનો મુદ્દો ગૂંજ્યો, CBI તપાસની માગ

નવી દિલ્હીઃ સુરેન્દ્રનગરમાં કરવામાં આવતી ખનીજ ચોરીનો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો છે. શૂન્યકાળ દરમિયાન કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકારને આ ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા માટે વિનંતી કરી છે. આ સાથે જ આ તમામ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સહિત સીબીઆઈ તપાસ કરવાની માગ કરી છે.

કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મામલે જણાવ્યુ હતુ કે, ‘ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલની ગેરકાયદેસર ખાણોમાં ખોદકામ કરવામાં આવે છે. તેમાંથી ક્યારેક ગેસ ગળતરની ઘટના બને છે તો ક્યારેક જમીન બેસી જાય છે અને મજૂરોના મોત નીપજે છે. દસ દિવસ પહેલાં ત્રણ મજૂરના મોત નીપજ્યા છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘આ જ વિસ્તારમાં 1 હજાર કરતાં વધુ ગેરકાયદેસર ખાડા ખોદવામાં આવ્યા છે. લોકો ફરિયાદ કરવાથી બીવે છે. જો કોઈ ફરિયાદ કરવા જાય તો પોલીસ એવું કહે છે કે, પહેલા તો એ ગેરકાયદેસર કામ કરતો હતો તો પહેલી ફરિયાદ એની સામે થશે. તેથી લોકો ફરિયાદ કરાવવા જતા નથી. મરનારા લોકો મોટાભાગે જવાન હોય છે. આ ખાડા ખોદીને ગેરકાયદેસર કામ કરતા લોકો જોડે મજબૂત પીઠબળ હોય છે.’

તેઓ આગળ કહે છે કે, ‘મેં પોતે ત્યાં વિઝિટ કરી હતી અને માહિતી મેળવી હતી. ત્યાંના સ્થાનિક લોકો કહે છે કે, આ ગેરકાયદેસર કામ અટકે નહીં તે માટે દર મહિને દોઢ લાખ રૂપિયાનો હપ્તો દેવામાં આવે છે. આ કેસમાં અમે કોશિશ કરી હતી અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ચાર લોકોને દોષી બતાવવામાં આવ્યા છે. તેમાંથી પહેલો આરોપી બ્લોક પંચાયતના સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન છે. બીજો આરોપી નેતા છે અને તેની પત્ની જિલ્લા પરિષદમાં સભ્ય છે. આ બધા ભાજપના નેતા છે. માણસના જીવની કિમત કોઈ વળતર નથી આપી શકતું. માણસનો જીવ સૌથી અમૂલ્ય છે.’

તેઓ કહે છે કે, ‘સરકારને મારી વિનંતી છે કે, આ પ્રકારની ઘટનાઓને નાની ગણીને અવગણશો નહીં. આ પ્રકારની ઘટના વારંવાર બને છે. ગૂગલ મેપ ખોલીને આ જગ્યાની ઇમેજ જોશો તો ત્યાં તમને આવા ઘણાં ખાડા જોવા મળશે. ગેરકાયદેસર ત્યાં ખોદકામ થાય છે અને ગરીબ મજૂરો જીવ ગુમાવી રહ્યા છે. આ અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવે તેની સીબીઆઈ તપાસ પણ કરવામાં આવે.’