May 4, 2024

થેમ્સના કિનારે ડિફેન્સ થિયરી, રાજનાથ સિંહ કરશે સૈન્ય સમજુતીની ચર્ચા

નવી દિલ્હી: દેશમાં રાજનીતિના ઉકાળા ઉકળી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને લઈને તમામ કદાવર નેતાઓએ રાજનીતિના મેદાનમાં ઝંપલાવી દીધું છે. દેશના દરેક ખુણામાં રામ રામ નામની સાથે લોકસભાની ચૂંટણીની વાતો સંભળાઈ રહી છે. આ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ સોમવારથી બ્રિટનની ત્રણ દિવસની મુલાકાતે જવાના છે.

વાટાઘાટાની સંભાવનાઓ
ભારત અને બ્રિટન વચ્ચેના સુરક્ષા સંબંધોને નવી ગતિ આપવા અને નવી દિશા આપવા માટે રાજનાથસિંહ સોમવાર તારીખ 8-1-2024ના બ્રિટનની 3 દિવસની મુલાકાત કરવા જઈ રહ્યા છે. આ સમય દરમિયાન ઘણી બધી ચર્ચાઓ થઈ શકે છે. જેમાં ફાઈટર એરક્રાફ્ટ અને અન્ય સૈન્ય પ્લેટફોર્મના સંયુક્ત વિકાસ માટે સંભવિત સહયોગની ચર્ચા કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજનાથસિંહ બ્રિટિશ સમકક્ષ ગ્રાન્ટ શૅપ્સ સાથે જટિલ ટેક્નોલોજી શેર કરવા અને દ્વિપક્ષીય ઔદ્યોગિક સંરક્ષણ સહયોગને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક વાટાઘાટો કરી શકવાની સંભાવનાઓ છે.

યુકેની ત્રણ દિવસીય યાત્રા
મહત્વપૂર્ણ બેઠક પર ચર્ચા રાજનાથસિંહની આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે લડાઈઓ અને અન્ય લશ્કરી પ્લેટફાર્મના સંયુક્ત વિકાસ માટે સંભવિત સહયોગ પર પણ વાતચીત કરવામાં આવી શકે છે. આ પહેલા એપ્રિલ 2022માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના તત્કાલિન યુકે સમકક્ષ બોરિસ જોન્સન નવી અને વિસ્તૃત ભારત-યુકે સંરક્ષણ ભાગીદારી પર સંમત થયા હતા. મે 2021માં મોદી અને જ્હોન્સનની ભારત-યુકે ડિજિટલ સમિટ દરમિયાન, બંને દેશોના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવામાં આવ્યા હતા.

નવી દિશા ઉઘાડશે
આ ત્રિદિવસીય મુલાકાતમાં હિન્દ મહાસાગર-પેસિફિક મહાસાગર, પશ્ચિમ એશિયા અને યુક્રેનની પરિસ્થિતિ ઉપરના મુદ્દાઓ પણ ચર્ચાઈ શકે છે. રશિયા સાથેની સૈન્ય સમજુતી અને હથિયાર સંબંધીત વિગતોની ગોષ્ઠી બાદ બ્રિટન સાથેની ચર્ચા ડિફેન્સ ક્ષેત્રમાં નવી દિશા ઉઘાડશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ભારતીય સૈન્યમાં અનેક મોરચા પર આત્મનિર્ભરતાના સાહસ અને ઉપકરણોને ઓન સર્વિસમાં લેવાતા અન્ય દેશ પર હથિયારનો રાખવો પડતો આધાર ધીમે ધીમે ઘટી રહ્યો છે. આ ટુરમાં બન્ને દેશ વચ્ચે કોઈ ટેકનોલોજી લક્ષી સુરક્ષાના પાસાઓની ચર્ચા થાય એવો અવકાશ હાલ તો દેખાઈ રહ્યો છે.

આ પણ વાચો: AIIMSમાં ભીષણ આગ, હોસ્પિટલની ફાયરસેફ્ટી ‘ડેડ’