December 18, 2024

રાજકોટમાં ચાલે છે ત્રણ માળની ગેરકાયદેસર સ્કૂલ, એકપણ પરમિશન નથી

રાજકોટઃ શહેરમાં થોડા સમય પહેલાં ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના ઘટી હતી. તેમાં ઘણાં લોકો મૃત્યુ પામ્યા હતા. તે છતાં મહાનગરપાલિકા ઢીલ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર બેદરકાર જોવા મળી રહ્યું છે.

રાજકોટ શહેરમાં હજુ પણ મનપા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના મવડી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામવાળી ત્રણ માળની સ્કૂલ ચાલી રહી છે. સ્કૂલ પાસે નથી BU પરમિશન નથી કે નથી ફાયર NOC. બાંધકામ પરમિશન કે શિક્ષણની પણ કોઈ પરમિશન નથી.

જય કિશન સ્કૂલે સૂચિતની જગ્યામાં પરમિશન લીધા વગર ત્રણ માળનું બિલ્ડિંગ ખડકી દીધું છે. આ સ્કૂલમાં અંદાજિત 600થી પણ વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી મનપાએ માત્ર એક જ નોટિસ આપી છે. મનપા દ્વારા 260-2 નંબરની નોટિસ પણ આપવામાં આવી છે.

બાંધકામ તોડી પાડવા માટે પણ એટીપીઓએ જણાવ્યું છે. TRP ગેમ ઝોનની જેમ એકપણ પ્રકારની પરમિશન આ સ્કૂલ પાસે નથી છતાં પણ સ્કૂલ ચાલી રહી છે. ATPO દ્વારા આજે ફરીથી બાંધકામ તોડવા નોટિસ ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જો કોઈપણ પ્રકારની દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ હશે.