May 6, 2024

રાજકોટના વિવિધ વિસ્તારમાં મતદાન જાગૃતિનું અનોખું અભિયાન

રાજકોટઃ ભારત દેશના મહાપર્વ સમા લોકશાહીના પર્વમાં વધુને વધુ લોકો સહભાગી બને તે માટે રાજકોટના વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મતદાન માટે જાગૃતિ કેળવવા જસદણ મતદાર વિભાગમાં અનોખી પહેલ કરવામાં આવી છે.

પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવાના પ્રયત્નોથી 72-જસદણ વિધાનસભા મતવિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશને મતદાન કરનારાઓને રેસ્ટોરન્ટમાં જમવાના બીલ ઉપર 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાની મોટી જાહેરાત કરી છે.

આ ઉપરાંત 70-રાજકોટ દક્ષિણ વિધાનસભા મતવિભાગની સહકાર સોસાયટી, ભાગ-નં 118, 119 અને 120 ખાતે આર.ડબ્લ્યુ.એસ.ના અનુસંધાને સોસાયટીના રહીશો અને 67-વાંકાનેર મતવિસ્તારની ગાયત્રીનગર સોસાયટી, વિવેકાનંદ સોસાયટી અને ગ્રીન સોસાયટીના રહીશોને લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. સોસાયટીના તમામ પરિવારના સભ્યોએ મતદાન કરીશ અને કરાવીશના શપથગ્રહણ કર્યો હતો.

લોકશાહીના મહાપર્વમાં જોડવા દેશવાસીઓમાં થનગને છે. તેવામાં મતદાતાઓનો જુસ્સો વધારવા દેશભરમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ હેમુ ગઢવી હોલ ખાતે તા. 30 એપ્રિલના રોજ રાત્રે 8 વાગ્યે મતદાન જાગૃતિ અર્થે સમૂહનૃત્ય પ્રદશિત કરી લોકોને મતદાન માટે પ્રેરિત કરશે.

67-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારના માર્કેટ ચોકમાં શાકમાર્કેટના વેપારીઓ અને કેરાળા રોડ પર આવેલ દુકાનદારો તા. 7 મેના રોજ મતદાનના દિવસે મતદાતાઓને ચીજ વસ્તુઓની ખરીદી પર 7 ટકા ડિસ્કાઉન્ટ આપશે. તેમજ રાજકોટના નિર્મલા રોડ પર આવેલા બ્રાઈડલ સ્ટુડિયોએ મતદાતાઓને બ્યુટી ટ્રીટમેન્ટ પર 10થી 15 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.