May 3, 2024

બાયો મેડિકલ વેસ્ટના ઢગલાંથી રોગચાળો ફેલાવવાની દહેશત, તંત્ર ઉંઘમાં

Rajkot janana hospital bio medical waste Fear of spreading epidemics

મેડિકલ વેસ્ટને કારણે રોગચાળો ફેલાય તેવી શક્યતા છે.

ઋષિ દવે, રાજકોટઃ શહેરની જનાના હોસ્પિટલના ગ્રાઉન્ડમાં જ બાયો મેડિકલ તેમજ સોલિડ વેસ્ટનાં ઢગલાથી રોગચાળાની દહેશત ફેલાવવાની શક્યતા છે. ત્યારે શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

રાજકોટ શહેરમાં ગત તારીખ 25 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીના હસ્તે સિવિલ હોસ્પિટલ ચોકમાં આવેલી જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થયાના ગણતરીના દિવસોમાં સૌરાષ્ટ્રની આ સૌથી મોટી હોસ્પિટલ સતત વિવિધ વિવાદ ઘેરાયેલી રહે છે. જનાના હોસ્પિટલના પ્રાંગણમાં જ બાયો મેડિકલ અને સોલિડ વેસ્ટનાં ઢગલા ખડકાયા હોવાથી દર્દીઓના સગાઓમાં રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે. દિવસભર તેમજ રાત્રીના સમયમાં લોકોએ અહીં આ રોગચાળાના ઢગલાની બાજુમાં જ રાત્રી વિતાવવાની ફરજ પડી છે. મચ્છરોનો ઉપદ્રવ પણ સતત વધી રહ્યો છે, ત્યારે આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

જો કે, સિવિલ અધિક્ષક ડો. આરએસ ત્રિવેદીએ તમામ વેસ્ટનો આવતીકાલથી મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલનાં પ્રાંગણમાં બાયો મેડિકલ વેસ્ટ નહીં પરંતુ સોલિડ વેસ્ટ છે. પરંતુ હકીકતમાં તે મેડિકલ વેસ્ટ જ હોવાનું સામે આવ્યું છે.

કોર્પોરેશન અને સિવિલ હોસ્પિટલ તંત્ર વચ્ચેની તૂ-તૂ મેં-મેં વચ્ચે દર્દીના સગા હેરાન ન થાય તે મહત્વનું છે. બાયો મેડિકલ વેસ્ટ તેમજ સોલિડ વેસ્ટને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલના સત્તાધીશો દ્વારા મેડિકલ વેસ્ટ ઉપાડવાનો કોન્ટ્રાક્ટ જ રિન્યૂ ન કર્યો હોવાની પણ વિગતો સામે આવી છે.