December 31, 2024

રાજકોટના હિરાસર એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ નહીં ઉડે!

રાજકોટઃ હિરાસર એરપોર્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. આ એરપોર્ટ પરથી એકપણ વિદેશી ફ્લાઇટ ઉડાન નહીં ભરે. અહીંથી માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટનું જ સંચાલન થશે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રનું આર્થિક હબ ગણાતા રાજકોટને વિશ્વ સાથે સાંકળવા માટે હિરાસરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું.

હિરાસર એરપોર્ટ પર કસ્ટમ, ઇમિગ્રેશન, એરલાઇન્સ ઓફિસ જેવી સુવિધાઓ હાલ શરૂ નહીં થાય. સંપૂર્ણ ટર્મિનલ તૈયાર થતા હજુ બે વર્ષ જેટલો સમય લાગી જાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

તો આ મામલે એરપોર્ટ ડાયરેક્ટરને પૂછતા તેમણે ઉડાઉ જવાબ આપતા કહ્યુ હતુ કે, ‘હું રજા પર છું.’ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા આ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ‘નામ બડે ઔર દર્શન છોટે’ જેવી સ્થિતિ દેખાઈ રહી છે.

bહીરાસર ખાતે સાવ વેરાન જમીન પર પાયેથી જ સંપૂર્ણ નવું (ગ્રીનફિલ્ડ) એરપોર્ટ બનાવવાનું હોવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માટે શરૂઆતથી જ નાના- મોટા અનેક પડકારો આવતા રહ્યા છે. હજુ હીરાસર ગામનું પુનઃ સ્થાપન પૂરેપૂરું પાર પડયું નથી, ડોસલીઘૂના આસપાસ કેટલીક જમીનની લેવડ-દેવડ અટવાયેલી છે, જે પછી એરપોર્ટને હાઈવે સાથે જોડતો ફ્લાય-ઓવર સહિતનો એપ્રોચ રોડ પણ બનાવાનો છે.

અમદાવાદની કંપનીએ કામ શરૂ કર્યું
ટર્મિનલ બિલ્ડીંગનો અંદાજિત ખર્ચ રૂ. 320 કરોડ છે. તેની સામે અમદાવાદની કંપનીને કોન્ટ્રાક્ટ 280 કરોડ રૂપિયામાં અપાય જતાં કંપનીના સ્ટાફે સ્થળ પર પહોંચીને જમીનનો કબ્જો સંભાળી લીધો છે તથા સાઈટ ઓફિસ બનતાં પહેલાં ટેન્ટ લગાવવા તજવીજ ચાલી રહી છે.

આ પ્રોજેક્ટમાં થનારો અંદાજિત ખર્ચ

  • રૂ.1400 કરોડ કુલ અંદાજિત ખર્ચ
  • રૂ.670 કરોડ રન-વે સહિત ફર્સ્ટ ફેઈઝનો ખર્ચ
  • રૂ.280 કરોડ ટર્મિનલ બિલ્ડીંગ
  • રૂ.50.4 કરોડ 18 ટકા લેખે તેનો જીએસટી
  • રૂ.30 કરોડ ઈક્વિપમેન્ટ્સ, મશીનરી, સીઆઈએસએફ બિલ્ડીંગ વગેરેનો ખર્ચ