July 18, 2024

ગાઝામાં ઈઝરાયલી સેનાનો હવાઈ હુમલો, 29 ફિલિસ્તાનીઓના મોત

Israel-Hamas War: ઇઝરાયલે ફરી એકવાર દક્ષિણ ગાઝામાં વિસ્થાપિત વ્યક્તિઓના કેમ્પ પર હુમલો કર્યો છે. જેમાં 29 પેલેસ્ટિનિયન માર્યા ગયા હોવાના અહેવાલ છે. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે હવાઈ હુમલો ખાન યુનિસના પૂર્વમાં અબસાના અલ-કબીરા શહેરમાં અલ-અવદા સ્કૂલ પાસે થયો હતો. વિસ્થાપિત પેલેસ્ટિનિયનો શાળાની બહારના કેમ્પમાં રહેતા હતા.

બીજી તરફ ઈઝરાયલની સેનાએ કહ્યું છે કે તેણે ‘હમાસની લશ્કરી પાંખના આતંકવાદીઓને’ નિશાન બનાવવા માટે ‘ચોક્કસ હથિયારો’નો ઉપયોગ કર્યો હતો. ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે આ વિંગના સભ્યોએ 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલામાં ભાગ લીધો હતો. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે આ હુમલામાં અલ-અવદા સ્કૂલ પાસે વિસ્થાપિત લોકોના કેમ્પમાં નાગરિકોના મોત થયાના અહેવાલ છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.

વિસ્થાપિત વ્યક્તિઓના કેમ્પ પર હુમલો
બીબીસીના જણાવ્યા અનુસાર, એક સપ્તાહ પહેલા ઈઝરાયેલી સેનાએ અબાસન અલ-કબીરા અને ખાન યુનિસના પૂર્વમાં આવેલા વિસ્તારોને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આવી સ્થિતિમાં હજારો લોકો ત્યાંથી નીકળી રહ્યા હતા. બીબીસીના પત્રકારોએ આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હુમલા સમયે આ વિસ્તારમાં 3,000 થી વધુ વિસ્થાપિત લોકો હાજર હતા.

આ પણ વાંચો: પુરીમાં બળભદ્રજીની મૂર્તિ રથમાંથી ઉતારતી વખતે લપસી, 7 પૂજારી ઇજાગ્રસ્ત

મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આ હુમલાથી ભારે વિનાશ થયો છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. હકીકતમાં, ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. જેમાં 1200થી વધુ લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને બંધક બનાવ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 38,240 લોકો માર્યા ગયા છે.