રાજકોટની SBI બેંકમાં પાણી, 2000થી વધુ લોકર; દસ્તાવેજો તણાયાં
રાજકોટઃ શહેરમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. ત્રિકોણબાગ સ્થિત SBI બેન્કમાં પણ પાણી ભરાયા છે. આ બેંકમાં 2000થી વધુ લોકરો છે. સેલરમાં પાણી ભરાયા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. પાણીમાં મહત્વના દસ્તાવેજો તણાઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વીડિયો વાયરલ થયા બાદ ગ્રાહકો પરેશાન જોવા મળ્યા છે. ગ્રાહકોને લાખો રૂપિયાની કિંમતી વસ્તુઓને નુકસાન પહોંચે તેની બીક છે.
અનેક ગામમાં 36 કલાકથી વીજળી ગુલ
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના લીધે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉપલેટા પાસે મોજેશ્વર આશ્રમ નજીક ચેકડેમની પાળ તૂટી છે. મોજ નદી પર બનાવેલી ચેક ડેમની પાળ તૂટી છે. આસપાસના અનેક ગામમાં 36 કલાકથી વીજળી ગુલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના લીધે વીજળી ગુલ થઈ ગઈ છે. મોજીરા, ગઢાળા, સેવંત્રા, ખાખીજાળીયા, વાડલા ગામમાં વીજળી ગુલ થઈ ગઈ છે. તેને કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે.
48 કલાકમાં 24 ઇંચ વરસાદ વરસ્યો
રાજકોટમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ યથાવત્ છે. રાજકોટના રૈયા રોડ પર 2 ફૂટ પાણી ભરાયા છે. રૈયા રોડ પર નદી વહી રહી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. રૈયા રોડ, સાધુ વાસવાણી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સતત ત્રીજા દિવસે રાજકોટમાં વરસાદ ચાલુ છે. રાજકોટમાં આજે 1 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 48 કલાકમાં 24 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટમાં વરસાદની તારાજીને પગલે મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. પ્રદ્યુમન પાર્ક તેમજ રામવન મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.