વેરી તળાવમાં પ્રેમીપંખીડાનો આપઘાત, બાળક સાથે ઝંપલાવ્યું
રાજકોટઃ ગોંડલના વેરી તળાવમાં મહેસાણાના લીંચ ગામના પરણીત પ્રેમીપંખીડાએ બાળક સાથે ઝંપલાવી આપઘાત કર્યો હતો. યુવકે મોબાઈલના સ્ટેટસમાં વેરી તળાવ પાસે ત્રણેયનો ફોટો મૂક્યો હતો. તેના આધારે ગોંડલ દોડી આવેલા યુવકના કાકા અને મિત્રોએ પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરતા સવારે ત્રણેયની લાશ પાણીમાંથી બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
મળેલી માહિતી પ્રમાણે, મહેસાણાના લીંચ ગામે રહેતા સંજય ફતાજી ઠાકોર, કીંજલ જશવંતજી ઠાકોર, તથા ધ્રુવીન જશવંતજી ઠાકોરના મૃતદેહો વેરીતળાવના પાણીમાં તરતા હોય ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. સંજય અને કીંજલ બંને પરણીત છે અને બંને વચ્ચે છેલ્લા અઢી ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હોવાથી કીંજલના બે વર્ષના પુત્ર ધ્રુવીનને લઈ પ્રેમી પંખીડા લીંચથી નાશી જઈ ગોંડલ પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ વડોદરાના સાંસદ અને BJP ઉમેદવાર રંજન ભટ્ટનો ચૂંટણી લડવાથી ઇનકાર
ગોંડલમાં વેરીતળાવની પાળી પર બેસી ત્રણેયનો ફોટો પાડી સંજયે તેના મોબાઇલના સ્ટેટસમાં છેલ્લો ફોટો લખી મૂક્યો હતો. બીજી બાજુ સંજય અને કીંજલ ગુમ થતા તેના પરિવારે લીંચ પોલીસમાં ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સ્ટેટસમાં મૂકેલા ફોટાના આધારે સંજયના કાકા તથા મિત્રો મોબાઇલના લોકેશનને આધારે ગોંડલ વેરીતળાવ પહોંચ્યા હતા.
ત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન સંજય મહેસાણામાં પેપરમીલમાં કામ કરે છે અને પરણીત છે. જ્યારે કાજલ પણ પરણીત છે અને બે વર્ષનો પુત્ર ધ્રુવીન છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.