May 3, 2024

શહેનાઝ ગિલને મળી મારી નાખવાની ધમકી, પિતાએ કર્યો દાવો

મુંબઈ: રિયાલિટી શો ‘બિગ બોસ 13’થી પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસ શહેનાઝ ગિલ ફરી એકવાર ચર્ચામાં છે. તે પણ તેના પિતા સંતોખ સિંહ સુખના કારણે. પંજાબ પોલીસે શહેનાઝના પિતા પર તેમની સુરક્ષાનો ‘દુરુપયોગ’ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસનું કહેવું છે કે સંતોખ સિંહ સુખે એક વીડિયો શેર કર્યા બાદ તેમને સુરક્ષા આપવામાં આવી હતી જેમાં એક અજાણ્યા કોલર તેમને ધમકી આપતા સાંભળ્યા હતા. જેમાં શહેનાઝને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

બાબા બકાલાના નાયબ પોલીસ અધિક્ષક સુરિન્દરપાલ સિંહે દાવો કર્યો હતો કે શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહ સુખ વિરુદ્ધ ઓછામાં ઓછા 6 કેસ નોંધાયા છે. તેણે કહ્યું, ‘વિડીયો બે મહિના જૂનો છે. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે, તે (સુખ) તેને આપવામાં આવેલી સુરક્ષાનો દુરુપયોગ કરી રહ્યા છે કારણ કે તે એક સંસ્થા ચલાવે છે. તેને આમ ન કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેણે સૂચનાઓની અવગણના કરી હતી. ડીએસપીએ એમ પણ કહ્યું કે પોલીસ શહેનાઝ ગિલને આપવામાં આવેલી ધમકીઓની તપાસ કરી રહી છે.

શહનાઝના પિતાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહ સુખે પંજાબ પોલીસના આરોપો પર પ્રતિક્રિયા આપી છે અને સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, ‘બે મહિના પછી પોલીસ આવા આરોપો કેમ કરી રહી છે? તેઓ માત્ર આક્ષેપો કરી રહ્યા છે કારણ કે મેં વીડિયો સાર્વજનિક કર્યો છે. પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. તે પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે આવા પાયાવિહોણા આરોપો લગાવી રહી છે.

સંતોખે પોલીસ પર સવાલો ઉઠાવ્યા
સંતોખ સિંહ સુખે પૂછ્યું, ‘પોલીસ એવો પણ દાવો કરી રહી છે કે વીડિયોમાં આવેલો ફોન ફેક છે. એક તરફ પોલીસ કહી રહી છે કે તેઓ કેસની તપાસ કરી રહ્યા છે અને બીજી તરફ ચુકાદો આપી રહી છે. જો આ નકલી ધમકી છે તો પછી તેઓએ મારી સામે એફઆઈઆર કેમ ના નોંધાવી?

શહેનાઝ ગિલના પિતા પંજાબમાં છે, જ્યારે તે પોતે કામ માટે મુંબઈમાં છે. તેની આગામી ફિલ્મ વરુણ શર્મા સાથે છે. જેનું નામ ‘સબ ફર્સ્ટ ક્લાસ’ છે. બલવિંદર સિંહ જંજુઆ દ્વારા બનાવવામાં આવી રહી છે.