June 25, 2024

રાહતના લાઇસન્સની ‘ખાનગી’ વાત

Prime 9 with Jigar:  જો તમારે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાનું હોય અને કઈ રીતે કઢાવવું એની મૂંઝવણ હોય તો આ મૂંઝવણનો ઉકેલ આવી ગયો છે.

નવું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર એ છે કે, ડ્રાઇવિંગ લાઇસન્સનો નવો નિયમ 1 જૂનથી અમલમાં આવી રહ્યો છે. આ પછી નવું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું ખૂબ જ સરળ થઈ જશે. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે ભારતમાં નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. જેના કારણે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. વાસ્તવમાં કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે પહેલી જૂનથી ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા સહિતના સંખ્યાબંધ નવા નિયમો અમલી બનાવ્યા છે. જેના ભાગરૂપે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાની પ્રક્રિયા પણ સરળ કરી દેવાઈ છે.

વ્યવસ્થા કેવી રહેશે? 

  • અત્યારસુધી ડ્રાઈવિંગ ટેસ્ટ માટે RTOમાં ફરજિયાત જવું પડતું.
  • નવા નિયમ હેઠળ લાઇસન્સ મેળવવા RTO જવાની જરૂર નહીં.
  • RTOમાં ટેસ્ટ આપ્યા વિના લાઇસન્સ મેળવી શકાશે.
  • પસંદગીના કોઈ પણ સેન્ટર પર જઈને ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે.

નવું ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢી આપવાની જવાબદારી હાલ સંબંધિત RTO એટલે કે, પ્રાદેશિક પરિવહન કચેરીની છે અને આ કચેરીઓમાં ટેસ્ટ લેવાય છે. પહેલી જૂનથી થનારા ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં ફેરફાર પ્રમાણે, ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ લેવાની તેમની જવાબદારી હળવી કરી દેવામાં આવશે. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માગતી વ્યક્તિ પાસે તેની પસંદગીના નજીકના કેન્દ્ર પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો વિકલ્પ હશે. આ વ્યવસ્થા કઈ રીતે ગોઠવાશે એ પણ સમજી લઈએ.

વ્યવસ્થા કેવી રહેશે?

  • કેન્દ્ર સરકાર ખાનગી કંપનીઓને ડ્રાઇવિંગની પરીક્ષા લેવા સર્ટિફિકેટ આપશે.
  • ખાનગી કંપનીઓ પોતાનાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનાં સેન્ટર ખોલશે.
  • સેન્ટર્સમાં ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે.
  • સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાનું કામ થર્ડ પાર્ટીઓને સોંપ્યું.
  • ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાનો એકાધિકાર અત્યાર સુધી RTOનો જ હતો.
  • હવે સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત કેન્દ્રોને પણ આ અધિકાર અપાશે.
  • મોટા ભાગે તો આ ખાનગી કંપનીઓ ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો હશે.
  • ખાનગી ડ્રાઈવિંગ સ્કૂલોના લાઇસન્સ માટેના નિયમોમાં પણ ફેરફાર.
  • પહેલાં ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલ તરીકે ગમે તેને માન્યતા મળી જતી હતી.

ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલ ખોલવાના નિયમો પ્રમાણે હવે નાની ઓફિસમાં ડ્રાઈવિંગ સ્કૂલ ખોલીને બેસી જાઓ એ નહીં ચાલે. ડ્રાઇવિંગ સ્કૂલ ખોલનાર વ્યક્તિ પાસે કેવી જરૂરિયાતો હોવી જોઈએ?.

નવા નિયમો જાણો 

  • ઓછામાં ઓછી 1 એકર જમીન હોવી જોઈએ.
  • નિયમ ટુ-વ્હીલર ડ્રાઈવિંગ સ્કૂલો માટે.
  • ફોર-વ્હીલર ટ્રેનિંગ માટે ઓછામાં ઓછી 2 એકર જમીન જરૂરી.
  • ડ્રાઈવિંગ સ્કૂલોએ યોગ્ય ટેસ્ટિંગ સુવિધાઓ આપવી પડશે.
  • ટ્રેઇનર્સ પાસે હાઇસ્કૂલ ડિપ્લોમા કે સમકક્ષ લાયકાત જરૂરી.
  • ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • ટ્રેઈનર્સ બાયોમેટ્રિક્સ અને આઇટી સિસ્ટમ્સથી પરિચિત હોવા જોઈએ.

નવા નિયમ પ્રમાણે ફોર-વ્હીલર ટ્રેનિંગ માટેની ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલ પાસે ઓછામાં ઓછી 2 એકર જમીન હોવી જોઈએ. જેનો અર્થ એ જ થાય કે સરકાર ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવાની કામગીરી ખાનગી ડ્રાઈવિંગ લાઇસન્સ સ્કૂલોને સોંપવા માગે છે. જોકે, એક વાતની નોંધ લેવી જોઈએ કે, સરકાર થર્ડ પાર્ટીને સર્ટિફિકેટ આપીને ડ્રાઈવિંગ લાઇસન્સ કાઢવાની સત્તા આપી રહી છે. જેના કારણે RTOની જવાબદારી હળવી થશે, સાવ બંધ નહીં થાય. કોઈ વ્યક્તિ મેન્યુઅલ પ્રક્રિયા દ્વારા ડ્રાઈવિંગ લાઇસન્સ માટે અરજી કરવા માગતી હોય તો અરજી ફાઇલ કરવા માટે તેમના સંબંધિત RTOની મુલાકાત પણ લઈ શકે છે. એ જ રીતે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની અરજી પ્રક્રિયા એ જ રહેશે. અરજદારો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને તેમની અરજી ઓનલાઈન સબમિટ કરી શકે છે. કેન્દ્ર સરકાર આ બહુ મોટો ફેરફાર કરી રહી છે પણ મહત્વનો મુદ્દો તેનાથી શું ફાયદા થશે અને શું નુકસાન થશે તેનો છે.

નવી સિસ્ટમથી તમને કેટલો ફાયદો?

  • અત્યારની પ્રક્રિયામાં અરજદારનો ભરપૂર સમય બગડે.
  • અરજી કર્યા પછી એપોઇન્ટમેન્ટ વિશે અનિશ્ચિતતા.
  • ટેસ્ટ આપવા જતી વખતે કેટલો સમય લાગશે એ નક્કી નહીં.
  • મોટા ભાગે આખો દિવસ જ જતો રહે.
  • ગુજરાતમાં તો હમણાંથી સર્વર જ ડાઉન થઈ જાય.
  • કલાકો લાઈનમાં ઊભા રહ્યા પછી પણ નંબર ના આવે એ જોખમ.
  • ઘરની પાસે જ સેન્ટર હોય તો આ સમસ્યાથી મુક્તિ મળી જશે.
    અરજદાર અનુકૂળ સમયે સેન્ટર પર જઈને ટેસ્ટ આપી શકશે.
  • સેન્ટર પર પરીક્ષાની ગોઠવણ કઈ રીતે કરાશે એ ખબર નથી.
  • સેન્ટર પર ડ્રાઈવિંગ ટેસ્ટનું વીડિયો રેકોર્ડિંગ કરાશે કે નહીં એ સ્પષ્ટ નથી.
  • વીડિયો રેકોર્ડિંગ ના કરાય તો આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થવાની પૂરી શક્યતા.
  • વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત કરાય અને એ RTOને મોકલાય એ પણ જરૂરી.
  • ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર.
  • ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી કેટલીક બીજી બાબતો અંગે પણ જાણકારી જરૂરી.
  • ફેરફાર માત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ પૂરતો.
  • અરજી કરવાની પ્રક્રિયા અત્યારે છે એ જ પ્રમાણે રહેશે.

ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે જે સામાન્ય દસ્તાવેજોની જરૂર પડશે એ પણ નહીં બદલાય પણ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટેશન સરળ કરવામાં આવશે. અત્યારે અપાયેલી માહિતી પ્રમાણે, મંત્રાલય અરજદારોને તેઓ જે પ્રકારના લાઇસન્સ મેળવવા માગતા હોય તે પ્રમાણે લાઇસન્સ માટે જરૂરી દસ્તાવેજો વિશે અગાઉથી જાણ કરશે. સામાન્ય રીતે પ્રાઇવેટ અને કોમર્શિયલ એમ બે પ્રકારનાં લાઇસન્સ અપાય. પ્રાઇવેટ એટલે કે પોતાના ઉપયોગ માટે કાર ચલાવતા હોય તેમનું લાઇસન્સ ઇશ્યૂ થયા પછી 20 વર્ષ સુધી કે 50 વર્ષની ઉંમર સુધી એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી રિન્યૂ કરવાની જરૂર નથી હોતી. કોમર્શિયલ લાઇસન્સ ટેક્સી અને ટ્રક વગેરે કોમર્શિયલ વાહનો ચલાવે છે. તેમણે દર ત્રણ વર્ષે રિન્યૂ કરાવવું પડશે. કોમર્શિયલ લાઇસન્સ હોય અને ઉંમર 40 વર્ષથી વધુ હોય તો લાઇસન્સ રિન્યુ કરતી વખતે ડૉક્ટર દ્વારા ચેક અપ કરાવીને સર્ટિફિકેટ સબમિટ કરવું પડશે. આ સિવાય અત્યારે જે મૂળભૂત દસ્તાવેજો છે એ જમા કરાવવાના જ રહેશે. આ ડોક્યુમેન્ટ્સ ઑનલાઈન અરજી માટે છે.

નવી સિસ્ટમથી શું ફેરફાર?

  • અત્યારે પાસપોર્ટ સાઇઝ ફોટો ફરજિયાત.
  • લર્નિંગ લાઇસન્સ નંબર અને મોબાઈલ નંબર ફરજિયાત.
  • આધાર કાર્ડની નકલ અને રહેઠાણ પ્રમાણપત્ર પણ જોઈશે.
  • સરનામાના પુરાવા તરીકે રાશન કાર્ડ, પાન કાર્ડ, વીજળી બિલ જરૂરી.
  • જન્મ તારીખ પ્રમાણપત્ર તરીકે ધોરણ 10 પાસ કર્યાનું બોર્ડનું પ્રમાણપત્ર.
  • જન્મ પ્રમાણપત્ર, ઓળખ કાર્ડ પણ આપી શકાય.
  • ઓનલાઈન અરજી કરવા કેટલાંક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
  • પહેલાં કાચું એટલે કે લર્નિંગ લાઇસન્સ કઢાવવું પડે.

લર્નિંગ લાઇસન્સ માટે સૌપ્રથમ તમારે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.

પ્રક્રિયા શું છે?

  1. સાઇટ પર જઈને તમારું રાજ્ય પસંદ કરો.
  2. ઑનલાઇન અરજી કરવાનો વિકલ્પ પસંદ કરો.
  3. ન્યૂ ડ્રાઇવિંગ લાઇસન્સનો વિકલ્પ પસંદ કરશો એટલે ગાઈડલાઈન આવશે.
  4. ગાઇડલાઇન વાચ્યા પછી કન્ટિન્યૂ બટન પર ક્લિક કરો.
  5. લર્નિંગ લાઇસન્સનો વિકલ્પ પસંદ કરો અને માહિતી ભરીને ઓકે પર ક્લિક કરો.
  6. અરજી કરનારી વ્યક્તિની પર્સનલ માહિતી અને દસ્તાવેજો વગેરેની માહિતી ભરો
    પછી પેમેન્ટ કરવાનું રહેશે.
  7. પેમેન્ટ કરો એટલે સફળતાપૂર્વક લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સની અરજી સબમિટ થશે.
  8. અરજી કર્યા પછી ઓનલાઈન ડ્રાઈવિંગ ટેસ્ટ આપવો પડે.
  9. ટેસ્ટ આપતાં પહેલાં 10 મિનિટનો ડ્રાઈવિંગ નિર્દેશનો વીડિયો જોવો જરૂરી.
  10. વીડિયો જોયા બાદ ટેસ્ટ માટેનો OTP અને પાસવર્ડ મોબાઈલ નંબર પર આવશે.
  11. બંને સબમિટ કર્યા પછી ટેસ્ટ આપવાનો રહે.
  12. ઓનલાઇન ડ્રાઈવિંગ ટેસ્ટમાં 10માંથી 6 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી.
  13. ટેસ્ટ પછી લર્નિંગ લાઇસન્સ લિંક રજિસ્ટર્ડ ફોન નંબર પર મોકલાશે.
  14. ટેસ્ટ ક્લીયર ન થાય તો ફરીથી ટેસ્ટ માટે 50 રૂપિયાની ચૂકવવા પડે.
  15. લર્નિંગ લાઇસન્સનું સબમિશન કર્યા પછી એક વેબ એપ્લિકન્ટ નંબર જનરેટ થશે.
  16. આ નંબરની મદદથી તમારા એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકાય.
  17. લર્નિંગ લાઇસન્સ મળ્યાના છ મહિના પછી પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા અરજી કરી શકાય.
  18. અરજી કરવા sarathi.parivahan.gov.in વેબસાઇટ પર જવું પડે.
  19. આ વેબસાઇટ પર જઈને આપણું રાજ્ય પસંદ કરવાનું.
  20. “Driving Licence” મેનૂમાં જઈને “New Driving Licence” પર ક્લિક કરવાનું.
  21. ફોર્મમાં લર્નિંગ લાઇસન્સ નંબર અને જન્મ તારીખ ભરવાની.
  22. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને ફી સ્લિપ સાથે નિર્ધારિત સમયે RTOમાં જવાનું હોય.
  23. અત્યારસુધીની પ્રક્રિયામાં RTO ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટ આપતી હતી.
  24. ખાનગી સ્કૂલમાં જઈને પણ ટેસ્ટ માટેની એપોઈન્ટમેન્ટ લઈ શકાશે.
  25. ટેસ્ટ પછી રિઝલ્ટ વેબસાઇટ પર જ અપડેટ થઈ જશે

ટ્રેનિંગના સમયગાળા માટે નવા નિયમો

  • લાઇટ મોટર વ્હીકલ માટે 4 અઠવાડિયાના 29 કલાક ટ્રેનિંગ લેવી પડશે.
  • 29 કલાકમાં થીયરીના 8 કલાક અને પ્રેક્ટિકલના 21 કલાક.
  • હેવી મોટર વ્હીકલ માટે 6 અઠવાડિયાંમાં 38 કલાક ટ્રેનિંગ.
  • 38 કલાકમાં 8 કલાકની થીયરી અને 31 કલાક પ્રેક્ટિકલ માટે.

જોકે, સરકાર પહેલી જૂનથી ડ્રાઇવિંગ લાઇસન્સને લગતા બીજા કેટલાક નિયમો પણ અમલી બનાવી રહી છે. બલ્કે હાલના નિયમોને વધારે આકરા બનાવી રહી છે તેથી તેમના વિશેની જાણકારી પણ જરૂરી છે. પહેલી જૂનથી ડ્રાઇવિંગના નવા નિયમો આવશે એ પ્રમાણે, માન્ય લાઇસન્સ વિના વાહન ચલાવનારને ભારે દંડ થશે. અત્યારે માન્ય લાઇસન્સ વિના વાહન ચલાવનારને 1,000 રૂપિયા દંડ થાય છે તે વધારીને 2,000 રૂપિયા કરવામાં આવશે.

આકરા નિયમો

  • કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેના માતા-પિતા વિરુદ્ધ કાર્યવાહી.
  • સગીર વાહન ચલાવતો જોવા મળશે તો માતા-પિતાને 25,000 રૂપિયાનો દંડ.
  • વાહનનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર એટલે RC રદ થશે.
  • 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ વાહન ચલાવતી હોય તો કાચું લાઈસન્સ રદ થશે.
  • 25 વર્ષની ઉંમર સુધી નવું લાઇસન્સ મળશે નહીં.
  • અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા માટેની દંડની જોગવાઈમા પણ સુધારો.
  • ફુલ સ્પીડ વાહન ચલાવવા 1000થી 2000 રૂપિયા સુધીનો દંડ.
  • સગીર ના હોય એવી વ્યક્તિને લાઈસન્સ વિના વાહન ચલાવવા બદલ 500 રૂપિયાનો દંડ.
  • ફોર-વ્હીલરમાં સીટ બેલ્ટ ન પહેરવા બદલ 100 રૂપિયા દંડ.
  • ટુ વ્હીલર પર હેલ્મેટ ન પહેરવા બદલ પણ 100 રૂપિયા દંડ.

એક અત્યંત મહત્વની માહિતી પણ આપીશું. જેના વિશે બહું ઓછાં લોકોને જાણ છે. સામાન્ય રીતે ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ જાય ત્યારે લોકો ચિંતામા મૂકાઈ જાય છે. પોલીસ ફરિયાદ કરવી પડશે, નવી અરજી કરવી પડશે, એફિડેવિટ કરવી પડશે એ બધી ચિંતાઓ સતાવતી હોય છે પણ વાસ્તવમાં એવી ચિંતાની જરૂર જ નથી. કોઈ વ્યક્તિએ 18 વર્ષની વય વટાવ્યા પછી ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવ્યું હોય પછી ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે ડિજિટલ ડ્રાઇવિંગ લાઇસન્સ બહાર પાડ્યું જ છે. જે તમામ વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે. ડિજિટલ ડ્રાઇવિંગ લાઇસન્સ સેવાથી તમારા લાઇસન્સની નવી નકલ કોઈપણ સમયે અને ગમે ત્યાં સેકન્ડોમાં મેળવી શકાય છે. તમે તમારા મોબાઈલ ફોનમાં પણ આ ડિજિટલ ડ્રાઇવિંગ લાઇસન્સ રાખી શકો છો પણ મોટા ભાગનાં લોકોને ડિજિટલ ડ્રાઇવિંગ લાઇસન્સ કઈ રીતે રાખવું તેની ખબર હોતી નથી. આ ડિજિટલ લાઇસન્સ કેવી રીતે મેળવવું તેની વિગતવાર માહિતી અમે તમને આપીશું.

ડિજિટલ લાઈસન્સની શું છે પ્રક્રિયા?

  • મોબાઇલમાં DigiLocker એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
  • એપ્લિકેશનના કેટલાક નિયમો અને શરતો દેખાશે.
  • નિયમો અને શરતો સ્વીકારીને ઓપન વિકલ્પ પર ક્લિક કરો.
  • ડેશબોર્ડ ખૂલશે કે જ્યાં Get Started ઓપ્શન પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખૂલશે.
  • જેના પર જઈને Create an Accountના વિકલ્પ પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા પછી એક નવું ફોર્મ ખૂલશે.
  • ફોર્મ કાળજીપૂર્વક ભરવું પડશે.
  • અંતે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
  • તમને લોગ ઈન આઈડી અને પાસવર્ડ મળશે.
  • લોગ ઈન આઈડી અને પાસવર્ડ સાચવી રાખો.

આ રજિસ્ટ્રેશન એટલે નોંધણીપ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થઈ ગયા પછી એક સર્ચ બોક્સ વિકલ્પ મળશે જેના પર ક્લિક કરવાનું રહેશે. સર્ચમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ટાઈપ કરીને સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરતાં જ વિવિધ રાજ્યો માટે અલગ-અલગ વિકલ્પો મળશે. તમે જે પણ રાજ્યના હો તે રાજ્યના નામની આગળ ક્લિક કરવું પડશે કે જેથી તમારું નવું પેજ ખુલશે જ્યાં ક્લિક કર્યા પછી તમારે Get Document ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. તમને ડોક્યમેન્ટના પેજ પર રિડાયરેક્ટ કરવામાં આવશે. આ પેજ પર ડ્રાઇવિંગ લાઇસન્સનાં વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ ક્લિક પછી તમે સરળતાથી તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ જોઈ શકો છો. જે લોકો આ રીતે ડિજિલોકરની લાંબી પ્રક્રિયામાં ના પડવા માગતા હોય એ લોકો Sarathi Driving License Download કરી શકે છે. સારથીમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કરવા માટે પહેલાં સારથીની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. આ વેબસાઇટ પર પણ પહેલાં તમારું રાજ્ય પસંદ કરવાનું છે. એ પછી ડ્રાઇવિંગ લાઇસન્સ સર્વિસના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને Continueના વિકલ્પ પર ક્લિક કરવાથી એક ફોર્મ ખૂલશે. આ ફોર્મમાં ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અને જન્મતારીખ દાખલ કરશો એટલે વધુ એક ફોર્મ ખૂલશે. આ ફોર્મમાં તમારે તમારું રાજ્ય અને જન્મતારીખ લખવાની રહેશે. એ પછી આગળ વધવાના વિકલ્પ પર ક્લિક કરો એટલે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ થઈ જશે. આ ડ્રાઈવિંગ લાઇસન્સ પણ માન્ય છે તેથી ફિઝિકલ કોપી ના હોય એ સંજોગોમાં તમે આ ડ્રાઈવિંગ લાઇસન્સની મદદથી ચલાવી શકો છો. ડ્રાઈવિંગ લાઇસન્સ અત્યંત મહત્વનો દસ્તાવેજ છે. ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ સરકારી દસ્તાવેજ તરીકે થઈ શકે છે કેમ કે ડ્રાઈવિંગ લાઇસન્સ મતદાન સહિતની ઘણી બધી સરકારી પ્રક્રિયામાં માન્ય દસ્તાવેજ છે. ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ વાહન ચલાવવા માચે તો ફરજિયાત છે જ પણ ડ્રાઈવિંગને સંબંધિત સરકારી નોકરી માટે તો અનિવાર્ય છે. ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ સરકારી યોજનાઓના લાભ માટે પણ થઈ શકે છે અને ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ સરકારી નોકરીઓ માટે પણ કરી શકો છો.આ સંજોગોમાં ડ્રાઈવિંગ લાઇસન્સની ફિઝિકલ કોપી કઢાવી લેવી હિતાવહ છે.