November 22, 2024

24 વર્ષથી પાનની દુકાન બન્યું પક્ષીઘર, કુલ 150 ચકલીઓનું રહેઠાણ

porbandar ambaramba village lirbai ma pan parlour sparrow house

પોરબંદરમાં આવેલી આ દુકાન પક્ષીઘર બની ગઈ છે.

સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદરઃ દરિયાકાંઠાના પોરબંદર શહેરથી 28 કિમી દૂર આવેલા નાનકડા ગામ આંબારાંબામાં એક એવી પાનની દુકાન આવેલી છે, જે છેલ્લા 24 વર્ષથી પક્ષીઘર બની ગઈ છે. આ દુકાનમાં ઘણી બધી ચકલીઓ વસવાટ કરે છે.
આ દુકાનનું નામ છે લીરબાઈ મા પાન પાર્લર. દુકાનના માલિક માલદે ઓડેદરા ભરગરમીમાં વગર પંખે દુકાનમાં બેસે છે. કારણ કે, તેમને ચિંતા છે ચકલીઓની. પંખો ચાલુ કરે અને તેમાં ચકલી ઘવાઈ ન જાય તે માટે ગરમી સહન કરી લે છે.
માલદેભાઈ જણાવે છે કે, ‘વર્ષ 1980માં સૌરાષ્ટ્ર દુકાળનો સામનો કરી રહ્યું હતું. ત્યારે હું પાણીનું ટેન્કર ચલાવતો હતો. પક્ષીઓને તરસને કારણે મેં મરતા જોયા હતા. ત્યારે મેં માટીના વાસણોની વ્યવસ્થા કરી અને તેમાં પાણી ભર્યું. જેથી મૂંગા પશુઓને પાણી મળી રહે. ત્યારથી મારી આ સેવાની શરૂઆત થઈ છે.’
તેઓ કહે છે કે, ‘વર્ષ 2001માં ધરતીકંપ આવ્યો હતો. ત્યારે સરકારે ખૂબ મદદ કરી હતી. પરંતુ પશુ-પક્ષીઓને સૌથી વધુ તકલીફ પડી હતી. ત્યારે મને પ્રેરણા મળી હતી અને મેં દુકાનમાં માળા રાખવાની શરૂઆત કરી હતી. વર્ષ 2001માં મારી દુકાનમાં 2 ચકલીઓ હતી અને હવે કુલ 150થી વધારે ચકલીઓ છે.’
પંખો ન રાખવા બાબતે ખુલાસો આપતા માલદેભાઈ જણાવે છે કે, ‘પાણીના કુંડા ભરીને રાખું છું. હવે તો મિત્ર જેવી થઈ ગઈ છે. ગ્રાહકોના ખભા પર પણ નિશ્ચિંત થઈને બેસી જાય છે. તેમને ખાવા માટે બાજરી, ઘઉં, પલાળેલા ચોખા આપું છું. મેં વર્ષ 2001થી દુકાન ચાલુ કરી ત્યારથી આજ દિવસ સુધી પંખો નથી રાખ્યો. પંખાને કારણે ચકલીઓના મોત થવાના અને ઘવાઈ જવાના ચાન્સ વધી જાય છે.’
પક્ષીઓની માવજત રાખવા માટે લોકોને અપીલ કરતા માલદે ભાઈ કહે છે કે, ‘તમારા ઘરે છાપરા હેઠળ કે કોઈ એવી જગ્યાએ અવશ્ય ચકલીઘર રાખવું જોઈએ, જ્યાં ચકલીને કોઈપણ ઋતુમાં તકલીફ ના પડે.’