May 19, 2024

કચ્છમાં પાણીની તંગીને કારણે ભેંસોના બચ્ચાંના મોત, માલધારીઓમાં ભારોભાર રોષ

kutch bhuj sarada village water issue buffalo baby death

ફાઇલ તસવીર

નીતિન ગરવા, ભુજઃ કચ્છમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની બૂમરાણ ચાલુ થઈ ગઈ છે. તાલુકાના સરાડામાં ગામે પાણી ન હોવાથી માલધારીઓને પશુઓની માવજત કરવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. પાણીની તંગીને કારણે ઉનાળા દરમિયાન અનેક પશુઓનાં મોત થતા હોય છે. ત્યારે આ વર્ષે પણ આવી હાલત થાય તેવા એંધાણ મળી રહ્યા છે. ગઈકાલે કચ્છમાં આવી જ એક ઘટના બની છે. સરાડા વિસ્તારની કેટલીક ભેંસોએ કાચા બચ્ચાઓને બહાર ફેંકી દીધા છે. પાણી તંગીની કારણે બચ્ચાઓનું મોત નીપજ્યું છે. જે દ્રશ્યો માનવ સમાજને વિચલિત કરી નાંખે છે તેવા છે.

એકબાજુ સરકાર નર્મદા નીર ગુજરાતના છેવાડાના ગામોગામ પહોંચ્યા છે તેવી વાતો કરે છે અને બીજી બાજુ કચ્છમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. સરકારના ભ્રષ્ટ અધિકારીઓની કુનીતિને કારણે કામગીરી માત્ર કાગળ પર જ રહી જતી હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે છેવાડાના લોકો સુધી પ્રાથમિક સુવિધાઓની યોજનાના લાભ પણ મળતા નથી તેવું સ્થાનિકોનું કહેવું છે.

કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. પાણી તંગી આવી જ રહી તો ભેંસો કાચા બચ્ચાંઓને ફેંકતી રહેશે તો માલધારીઓ પાયમાલ થઈ જશે. ભેંસોના બચ્ચાંઓને મરતા જોઈ માલધારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કચ્છના ખાવડા, ખડીર, બન્ની અને પચ્છમ વિસ્તારના ગામોમાં પાણીની તંગીનો પ્રશ્ન ક્યારે હલ થશે તેની માલધારી આતુરતા રાહ જોઈ રહ્યા છે.

કચ્છમાં જ્યારે મુખ્યમંત્રી અને મંત્રીઓ પ્રવાસે આવતા હોય છે, ત્યારે માલધારીઓને પૂરતું પાણી મળી રહેશે એવું આશ્વાસન આપતા હોય છે. પરંતુ પરિસ્થિતિ એકદમ જુદી છે. હજુય તો ઉનાળાની શરૂઆત થઈ છે અને કચ્છ જિલ્લાના ગામોમાં પાણીની તંગીના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. બંજર વિસ્તારોમાં પાણી શોધતી મહિલાઓનાં ટોળાં દેખાવાં લાગ્યાં છે. સરહદને અડીને આવેલા બન્નીનાં ગામોની સ્થિતિ બદતર બની ગઈ છે. કચ્છમાં દુષ્કાળ સમી પરિસ્થિતિ મે મહિનાથી જ પ્રારંભ થઈ ગઈ છે. જેના કારણે કચ્છના અનેક લોકો પોતાના ઢોરઢાંખર સાથે હિજરત કરે તેવી સંભાવના છે.