May 18, 2024

PM નરેન્દ્ર મોદી ગુજરાત આવશે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી 

PM - NEWSCAPITAL

ફેબ્રુઆરી માસમાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતાઓ છે. આ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બાદ ફેબ્રુઆરી મહિનાની 10 મી તારીખે વડોદરા ખાતે આદિવાસી મહાસંમેલનમાં પીએમ મોદી હાજરી આપે તેવી શક્યતાઓ છે. તો બીજી તરફ આગામી 22 ફેબ્રુઆરીએ પણ પીએમ મોદી મહેસાણાના વાળીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી શકે છે. 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહોત્સવમાં 22 ફેબ્રુઆરીએ સમાપન સમારોહમાં પીએમ મોદી હાજરી આપે તેવી શક્યતાઓ છે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજરી આપે તેવી શાક્યતાઓ છે.PM - NEWSCAPITALવધુમાં મળતી માહિતી મુજબ, દરિયાકાંઠાના ગામ ઓખાને યાત્રાધામ દ્વીપ બેટ દ્વારકા સાથે જોડતા અરબી સમુદ્ર પરના પ્રતિષ્ઠિત પુલનું ઉદ્ઘાટન પણ 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે. રૂ. 1,000 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ આ પુલ 2.75 કિલોમીટર લાંબો છે. આ પુલ મુખ્ય માર્ગને બેટ દ્વારકા ટાપુ સાથે જોડે છે. અત્યાર સુધી માત્ર બોટ દ્વારા જ બેટ દ્વારકા પહોંચી શકાતું હતું. જે હવે આ પુલના ઉદ્ઘાટન બાદ આસાનીથી રોડ માર્ગે જઈ શકાશે. સ્થાનિક તંત્રએ આ કાર્યક્રમની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : ગુજરાત પોલીસે મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત કરી

AIIMS રાજ્કોટનું પણ ઉદ્ઘાટન કરે તેવું શકયતા 

દરમિયાન, રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પણ શરૂ થવાની તૈયારીમાં છે અને રાજકોટ જિલ્લા કલેકટરના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન ફેબ્રુઆરીમાં તેનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે. રાજકોટ એઈમ્સમાં કનેક્ટીંગ રોડનું બાંધકામ, મશીન ઈન્સ્ટોલેશન અને અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે. ઉદ્ઘાટન બાદ એઈમ્સ રાજકોટમાં ઈન્ડોર દર્દીઓની સારવાર પણ કરી શકશે. હાલમાં આ સુવિધા માત્ર આઉટડોર દર્દીઓ માટે જ ઓપીડી સુવિધા પૂરી પાડે છે.