બીજા પાસેથી આશા પૂરી થાય, ત્યાંથી મોદીની ગેરંટી ચાલુ થાયઃ PM
રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ એરપોર્ટ બાદ વધુ એક ભેટ રાજકોટને આપી છે. ગુજરાતની પહેલી AIIMS હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. ત્યારે આ પ્રસંગે તેમણે રાજકોટમાં લાખોની જનમેદનીને સંબોધન કર્યું હતું અને આગામી લોકસભા ચૂંટણી માટે તેમણે કહ્યુ હતુ કે, ‘અબકી બાર 400 પાર’.
આ પ્રસંગે વડાપ્રધાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, ‘22 વર્ષ પહેલાં 24 ફેબ્રુઆરીએ રાજકોટથી ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યો હતો. 25 તારીખે મેં ગાંધીનગરમાં જિંદગીમાં પહેલીવાર શપથ લીધા હતા. લોકોના ભરોસાને સાર્થક કરવાની પૂરેપૂરી કોશિશ કરી હતી. સમગ્ર દેશ આજે આશીર્વાદ આપી રહ્યો છે તેનું હકદાર રાજકોટ છે. રાજકોટના એક એક વ્યક્તિને માથું નમાવીને નમન કરું છું. રાજકોટની જનતાનો ઋણ વ્યાજ સાથે વિકાસ કરીને ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આજે રાજકોટમાં વિલંબ થયો તે માટે તમામની ક્ષમા માગું છું.’
દ્વારકા મુલાકાત અંગે વડાપ્રધાને જણાવ્યુ હતુ કે, ‘ભગવાન શ્રી કૃષ્ણએ બનાવેલી દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી. ત્યારે આજે પાણીમાં ડૂબકી લગાવી ડૂબેલી દ્વારકાના દર્શન કર્યા હતા. પાણીમાં ડૂબેલી દ્વારકાને સ્પર્શ કરી. મોરપીંછ ત્યાં અર્પણ કર્યા.’
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘ઈન્ટરનેશનલ એરપોર્ટ બાદ એઇમ્સ પણ જનતાને સમર્પિત કરી છે. છેલ્લા 10 દિવસમાં 7 નવી એઇમ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું છે. મોદી ગેરંટી આપે તે પૂર્ણ કરે જ. એઇમ્સનો શિલાન્યાસ કર્યા બાદ લોકાર્પણ મેં જ કર્યું. બીજા પાસે આશા પૂર્ણ થાય ત્યાંથી મોદીની ગેરંટી શરૂ થાય છે.’