December 23, 2024

‘આપણી ફિનટેક વિવિધતા જોઈને વિશ્વ ચોંકી ગયું’, મુંબઇમાં બોલ્યા PM મોદી

Fintech Fest 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024માં સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં PM મોદીએ કહ્યું કે ફિનટેક મામલે ભારતની વિવિધતા જોઈને આખી દુનિયા ચોંકી ગઈ છે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF)માં બોલતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “એક સમય હતો જ્યારે લોકો આપની સાંસ્કૃતિક વિવિધતા જોઈને આશ્ચર્યચકિત થતાં હતા. હવે લોકો ભારત આવે છે અને આપણું ફિનટેક વૈવિધ્ય જોઈને આશ્ચર્ય પામે છે! એરપોર્ટ પર લેન્ડ કરવાથી માંડીને સ્ટ્રીટ ફૂડથી લઈને શોપિંગ સુધી તમામ ક્ષેત્રે ભારતની ફિનટેક ક્રાંતિ દરેક જગ્યાએ જોવા મળે છે.”

દેશમાં બ્રોડબેન્ડ ઉપભોક્તા વધીને 94 કરોડ થયા
મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024માં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે પહેલા સંસદમાં લોકો પૂછતા હતા કે દેશમાં પૂરતી બેંક શાખાઓ નથી, ગામડાઓમાં બેંકો ઉપલબ્ધ નથી, ઈન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ નથી… ફિનટેક ક્રાંતિ કેવી રીતે આવશે? એ લોકો મારા જેવા ચાવાળાને આ પૂછતા હતા. હવે એક દાયકામાં બ્રોડબેન્ડ યુઝર્સ 60 મિલિયન (6 કરોડ) થી વધીને 940મિલિયન એટલે કે 94 કરોડ થઈ ગયા છે.

દેશમાં 24×7 ચાલુ રહે છે બેંકિંગ સેવાઓ 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે કહ્યું હતું કે ભારતની ફિનટેક ક્રાંતિ નાણાકીય સમાવેશને સુધારી રહી છે તેમજ નવીનતાને પ્રોત્સાહન આપી રહી છે. ફિનટેક ફેસ્ટ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારતનું UPI આખી દુનિયામાં ફિનટેકનું સૌથી મોટું ઉદાહરણ બની ગયું છે. આજે ગામ હોય કે શહેર, શિયાળો હોય કે ઉનાળો, ભારતમાં બેંકિંગ સેવા 24 કલાક, સપ્તાહના 7 દિવસ અને 12 મહિના ચાલુ રહે છે. PM મોદીએ કહ્યું કે, હજુ બે -ત્રણ દિવસ પહેલા જ જન ધન યોજનાના 10 વર્ષ પૂર્ણ થયા. આ જનધન ખાતાઓ મહિલા સશક્તિકરણ માટે એક મોટું માધ્યમ બની ગયા છે. આ અંતર્ગત 29 કરોડથી વધુ મહિલાઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે.

જન ધન ખાતાઓએ બચત-રોકાણની નવી તકો ઊભી કરી
પીએમ મોદીએ વધુમાં કહ્યું, “જન ધન ખાતાઓએ મહિલાઓ માટે બચત અને રોકાણની નવી તકો ઊભી કરી છે. આ ખાતાઓને આધાર બનાવીને અમે માઇક્રો ફાયનાન્સની સૌથી મોટી યોજના મુદ્રા યોજના શરૂ કરી. આ યોજનાના લાભાર્થીઓમાં 70% મહિલાઓ છે. જન ધન ખાતાઓએ મહિલાઓના સ્વસહાય જૂથોને પણ બેન્કિંગ સાથે જોડી દીધા છે. તેનો ફાયદો આજે દેશની 10 કરોડ ગ્રામીણ મહિલાઓને મળી રહ્યો છે, એટલે કે જન ધન યોજનાએ મહિલાઓનો આર્થિક સશક્તિકરણનો મજબૂત પાયો નાખ્યો. ફિનટેકે સમાંતર અર્થતંત્રનો મજબૂત પાયો નાખ્યો છે.”