May 18, 2024

PM જન્મે પણ બક્ષીપંચ નથી અને કર્મે પણ બક્ષીપંચની લાગણી ધરાવતા નથીઃ અમિત ચાવડા 

અમિત ચાવડા - NEWSCAPITAL

ગાંધીનગરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગતરોજ પીએમ મોદીની જાતિને લઈને નિવેદન આપ્યું હતું. જે બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયા અને મીડિયામાં એકબીજા પર આરોપ લગાવવમાં આવ્યા હતા, ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પીએમ જ્યારે ગુજરાતનાં સીએમ હતા ત્યારે તેમણે ક્યારેય પોતાને ઓબીસી કહ્યા નથી.

મુખ્યમંત્રી હતા ત્યારે કોઇ વાર પોતાને OBC કહ્યા નથી – અમિત ચાવડા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓબીસી વિવાદ પર આજે અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કોઇ વાર પોતાને OBC કહ્યા નથી. તેમણે વર્ષ 2014 માં પોતે ગરીબ અને ઓબીસીમાંથી આવતા હોવાનુ કહ્યુ હતું. રાહુલ ગાંધીએ સાચી વાત કરી છે, પીએમનો જન્મ મોઢ ઘાંચી જ્ઞાતિમાં થયો હતો. ઘાંચી જ્ઞાતનો સમાવેશ તે સમયે ઓબીસીમાં ન હતો. જન્મથી નહી, નરેન્દ્ર મોદી કર્મે પણ ઓબીસી નથી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં લાંબો સમય તેઓ મુખ્યમંત્રી રહ્યાં અને આજે પણ રાજ્યમાં તેમની સરકાર છે. ત્રણ દાયકાના શાસનમાં ઓબીસીને અન્યાય જ થયો છે.અમિત ચાવડા - NEWSCAPITAL

આ પણ વાંચો : ‘નલ સે જલ’ યોજનાને લઈને કોંગી ધારાસભ્યોના સરકારને પ્રશ્નો

ઓબીસીને બજેટની એક ટકા રકમ પણ ફાળવાતી નથી

વધુમાં અમિત ચાવડા એ કહ્યું કે, ગુજરાતની સરકાર અને ભાજપના તમામ ધારાસભ્યોને ઓબીસીને ફાળવાયેલા બજેટ અંગે હું ચેલેન્જ આપું છું. 20 વર્ષના બજેટના આંકડા જુઓ તો, સામાજિક અને આર્થિક વિભાગને બજેટની એક ટકા રકમ પણ ફાળવાતી નથી. 3 લાખ 32 હજાર કરોડના બજેટમાંથી એક ટકો રકમ ફાળવાતી નથી. અસલી બંક્ષી પંચ હોય તો OBC, SC, ST અને માઇનોરીટીને બજેટનો લાભ અપાવે. સબકા સાથ સબકા વિકાસ સુત્ર સારુ છે પણ માત્ર મુઠ્ઠીભર લોકોનો જ વિકાસ થયો છે. તેમણે કહ્યું કે, બક્ષી પંચ સમાજની ચિંતા હોય તો ગુજરાતમાં જાતી આધારીત વસ્તી ગણતરીની સુચના આપો. PM જન્મે પણ બક્ષીપંચ નથી અને કર્મે પણ બક્ષીપંચની લાગણી ધરાવતા નથી.