December 24, 2024

Elon Musk પર મહિલાઓ પર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવાનો આરોપ

Elon Musk News: સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક પર મહિલાઓ પર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવાનો આરોપ છે. ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ પર અનેક મહિલા કર્મચારીઓ સાથે શારીરિક સંબંધ હોવાનો આરોપ છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં ચાર મહિલાઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તેઓ મસ્ક સાથે શારીરિક સંબંધ ધરાવે છે. ઘણા ભૂતપૂર્વ કર્મચારીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે મસ્ક ગેરકાયદેસર દવાઓનો ઉપયોગ કરે છે.

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, મસ્કે પોતાની કંપનીઓમાં એવું વાતાવરણ ઊભું કર્યું છે જ્યાં મહિલા કર્મચારીઓ અસ્વસ્થતા અનુભવે છે. રિપોર્ટ અનુસાર, કૉલેજના એક વિદ્યાર્થીએ સ્પેસએક્સને સુધારવા માટેના વિચારો સાથે એલન મસ્કનો સંપર્ક કર્યો હતો. વાતચીત આગળ વધી અને તેઓએ શારીરિક સંબંધો બાંધ્યા. મસ્ક તે મહિલા કરતાં 20 વર્ષ મોટા હતા. આ સંબંધ ઘણા વર્ષો સુધી બંને વચ્ચે ચાલતો રહ્યો. રિપોર્ટ અનુસાર મસ્કે મહિલાને ઘણી વખત રાત્રે તેના ઘરે આવવા માટે ફોન પણ કર્યો હતો.

ખાનગી જેટમાં શરમજનક કૃત્ય
2013માં એલન મસ્કની કંપની છોડી દેનારી એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે મસ્કે તેને ઘણી વખત પોતાના સંતાનો રાખવા માટે કહ્યું હતું. મહિલાના ના પાડ્યા બાદ ન માત્ર તેનો પગાર આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો પરંતુ તેના કામ અંગે પણ ફરિયાદો કરવામાં આવી હતી. 2016 માં સ્પેસએક્સની ફ્લાઇટ એટેન્ડન્ટે આરોપ મૂક્યો હતો કે પ્રાઇવેટ જેટમાં હતી ત્યારે મસ્કે તેણીને તેના પ્રાઇવેટ પાર્ટ્સ બતાવ્યા હતા અને તેને ઇરોટિક મસાજના બદલામાં કિંમત ઓફર કરી હતી.

અન્ય એક મહિલાનો દાવો છે કે 2014માં તેણે મસ્ક સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો જે એક મહિના સુધી ચાલ્યો હતો. તે દરમિયાન તે સીધી મસ્કને જાણ કરતી હતી. તેમના સંબંધો બગડ્યા, જેના કારણે તેણે કંપની છોડવી પડી અને સમાધાન પર સહી પણ કરવી પડી. જે અંતર્ગત તે એલન મસ્ક માટે કરેલા કામ અંગે ચર્ચા કરી શકી નથી.

સ્પેસએક્સે શું કહ્યું?
આ ગંભીર આરોપોને નકારી કાઢતાં સ્પેસએક્સના પ્રમુખ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર ગ્વિન શોટવેલે કહ્યું કે આ આરોપો સંપૂર્ણપણે ભ્રામક છે. તેણે એલન મસ્કને “અત્યાર સુધીના સૌથી સારા માણસોમાંના એક” તરીકે વર્ણવ્યા. નોંધનીય બાબત એ છે કે આ પહેલીવાર નથી કે જ્યારે એલન મસ્ક પર આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હોય. 2021 માં સ્પેસએક્સના પાંચ ભૂતપૂર્વ કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે સ્પેસએક્સ પર કામનું વાતાવરણ “એલન સ્પેસએક્સ અને સ્પેસએક્સ એલન છે” જેવું હતું અને તેથી તેઓ જે ઇચ્છે તે કરી શકે છે. એલન મસ્કની રિપોર્ટમાં કોઈ ટિપ્પણી નથી.