December 26, 2024

સેમ્પલ ટેસ્ટમાં ફેલ થયું પતંજલિનું મધ, 1 લાખ રૂપિયાનો દંડ

આ કેસમાં શુક્રવારે ન્યાય નિર્ણાયક અધિકારીએ ડીડીહાટના વિક્રેતા અને રામનગરની વિતરક કંપની પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

નવી દિલ્હી: પતંજલિનું મધનું પેકેટ સેમ્પલ ટેસ્ટમાં ફેલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. સેમ્પલ ટેસ્ટીંગમાં ફેલ થતા ન્યાય નિર્ણાયક અધિકારીએ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ ચાર વર્ષ પહેલા ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ડીડીહાટમાંથી લેવામાં આવેલા પતંજલિના પેક્ડ મધના નમૂનાને પરીક્ષણ માટે એકત્રિત કરવામાં આવ્યા હતા.

પરીક્ષણ બાદ પેક્ડ મધના નમૂના સબ-સ્ટાન્ડર્ડ હોવાનું જણાયું હતું. નમૂનામાં સુક્રોઝનું પ્રમાણ બમણા કરતાં વધુ હતું. આ કેસમાં શુક્રવારે ન્યાય નિર્ણાયક અધિકારીએ ડીડીહાટના વિક્રેતા અને રામનગરની વિતરક કંપની પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ પણ વાંચો: ડિજિટલ ડાકુઓથી તમારું બેંક એકાઉન્ટ સાચવજો નહીં તો પરસેવાની કમાણી થઇ જશે ગાયબ

ડિસ્ટ્રિક્ટ ફૂડ સેફ્ટી ઓફિસર આરકે શર્માએ જણાવ્યું કે, જુલાઈ 2020માં ડિપાર્ટમેન્ટે ડીડીહાટ સ્થિત ગૌરવ ટ્રેડિંગ કંપનીમાંથી પેક્ડ પતંજલિ મધના સેમ્પલ લીધા હતા અને તેને ટેસ્ટિંગ માટે રૂદ્રપુર સ્થિત લેબમાં મોકલ્યા હતા. તપાસ દરમિયાન મધમાં સુક્રોઝનું પ્રમાણ ધોરણ પાંચ ટકાને બદલે 11.1 ટકા (લગભગ બમણું) હોવાનું જણાયું હતું.

નવેમ્બર 2021માં વિભાગે સંબંધિત વિક્રેતા વિરુદ્ધ દાવો દાખલ કર્યો હતો. શુક્રવારે એડજ્યુડિકેટિંગ ઓફિસર અને એડીએમ ડૉ.એસ.કે.બરનવાલે ચુકાદો આપ્યો છે. તેમણે પ્રોડક્ટ સેલર ગૌરવ ટ્રેડિંગ કંપની પર 40 હજાર રૂપિયા અને સુપર સ્ટોકિસ્ટ કાન્હાજી ડિસ્ટ્રીબ્યુટર રામનગર પર 60 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.