September 8, 2024

મધ્યાહ્ન ભોજનનું રિયાલિટી ચેક, સડેલા ઘઉં-જીવાતવાળો અનાજનો જથ્થો!

ભાવેશ ભોજક, પાટણઃ સમગ્ર રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરના સમયે અપાતા મધ્યાહ્ન ભોજન બાબતે ન્યૂઝ કેપિટલે પાટણના બે મધ્યાહ્ન ભોજન કેન્દ્ર પર જઈ રિયાલિટી ચેક કર્યું હતું. મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં ફાળવવામાં આવતો અનાજનો જથ્થો સડેલો અને જીવાતવાળો જોવા મળ્યો હતો.

સમગ્ર દેશ અને રાજ્યમાં ગરીબ વર્ગના બાળકો અભ્યાસની સાથે સાથે પૌષ્ટિક આહાર મેળવી ભરપેટ ભોજન શાળામાં જ લઈ શકે તે માટે શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના કાર્યરત છે. આ યોજનાથી શાળામાં આવનારા ગરીબ વર્ગના બાળકો બપોરના સમયે શાળામાં જ ભોજન મેળવે છે. પરંતુ ભારતના ભાવિ એવા વિદ્યાર્થીઓને અપાતા ભોજન માટેના અનાજનો જથ્થો સડેલો તેમજ અનાજમાં ધનેરા સહિતની જીવાતવાળો અનાજનો પુરવઠો મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં જોવા છે. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમે પાટણની તારાબેન કન્યા શાળામાં રિયાલિટી ચેક કરતા મધ્યાહ્ન ભોજન કેન્દ્રમાં લાવવામાં આવેલા ઘઉંની બોરીઓમાં જીવાત અને ધનેરા ફરતા જોવા મળ્યા હતા. તેમજ બોરી ખોલીને ચેક કરતા ઘઉં પણ સડેલા અને કચરવાળા જોવા મળ્યા હતા. તેમજ કઠોળ માટે આપવામાં આવતા ચણાની પણ એવી જ સ્થિતિ જોવા મળી હતી.

તારાબેન કન્યાશાળા મધ્યાહ્ન ભોજન કેન્દ્ર નંબર 8ના મધ્યાહ્ન ભોજન કેન્દ્રના સંચાલિકાએ સડેલા અનાજ બાબતે જણાવ્યું હતું કે, અનાજનો જથ્થો સરકારી સંસ્થાનોની દુકાનોમાંથી સંચાલકો દ્વારા મધ્યાહ્ન ભોજન કેન્દ્ર પર પૂરો પાડવામાં આવે છે. તે તમામ જથ્થાની મધ્યાહ્ન ભોજન કેન્દ્ર ઉપર સાફ-સફાઈ કરવામાં આવે છે. તેમ છતાં જો સડેલા અને જીવાતવાળી અનાજની બોરીઓ ધ્યાને આવે તો અમે જે-તે દુકાનદારને પરત કરીએ છીએ તેમ કહી લૂલો બચાવ કર્યો હતો. તો તારાબેન કન્યા શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, શાળામાં સમજી પરિવારના બાળકો અભ્યાસ કરે છે. તમામ બાળકો મધ્યાહ્ન ભોજનનો લાભ મેળવે છે. સરકારી દુકાનોમાંથી આવતા અનાજના જથ્થા પર તેમજ બાળકોને અપાતા ભોજન ઉપર સતત મારું મોનિટરિંગ રહે છે અને પડેલા અનાજનો ઉપયોગ ભોજન બનાવવામાં કરવામાં આવતો નથી.

પાટણની બગવાડા પગાર કેન્દ્ર શાળામાં ચાલતા મધ્યાહ્ન ભોજન કેન્દ્ર નંબર-4ની પણ ન્યૂઝ કેપિટલની ટીમે રિયાલિટી ચેક કરવામાં આવી હતી. આ કેન્દ્ર પર પણ સરકાર દ્વારા મધ્યાહ્ન ભોજન માટે ફાળવવામાં આવતા ઘઉં અને ચોખાના અનાજમાં જીવાત અને ધનેરા જોવા મળ્યા હતા. આ સાથે જ ઘઉંમાં માટીનાં કાંકરા તેમજ કચરો જોવા મળ્યો હતો.

પગાર બગવાડા પગાર કેન્દ્ર શાળાના આચાર્યએ ચોખા અને ઘઉંના જથ્થા બાબતે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનોમાંથી જે અનાજનો પુરવઠો મધ્યાહ્ન ભોજન કેન્દ્ર ઉપર ફાળવવામાં આવે છે. તેનો ઉપયોગ બાળકોના ભોજન માટે કરવા અનાજની સાફ-સફાઈ કરવામાં આવે છે. તેમ છતાં પણ કોઈ ખરાબ જથ્થો હોય તો તેને અમે પરત કરીએ છીએ તેમ કહી પોતાનો બચાવ કર્યો હતો.

પાટણ શહેરમાં બે મધ્યાહ્ન ભોજન કેન્દ્ર ઉપર રિયાલિટી ચેક દરમિયાન બંને સ્થળે ઘઉં, ચોખા, ચણાનો જથ્થો અખાદ્ય અને સડેલો જોવા મળ્યો હતો. આ બંને કેન્દ્રના સંચાલકો અને શાળાના આચાર્યોએ માથેથી ખભે કરી પોતાનો લૂલો બચાવ કર્યો હતો.