January 24, 2025

AMC દ્વારા એક જ દિવસમાં વેરા ન ભરનારની 20 હજારથી વધુ મિલકતો સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેરા વિભાગે ટેક્સ ડિફોલ્ટર સામે કડક પગલા લેવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદમાં ગુરુવારે એક જ દિવસમાં 20789 મિલકતો સીલ કરવામાં આવી હતી. મિલકતો સીલ કરનાર કોર્પોરેશનને ટેક્સમાં રૂ. 15.78 કરોડની આવક થઈ હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર ગુરુવારે ઉત્તર ઝોનમાં સૌથી વધુ 6025 મિલકતોને સીલ કરવામાં આવી હતી.

અમદાવાદના પશ્ચિમ ઝોનમાં અમદુપુરા, બાપા સીતારામ ચોક, વિવેકાનંદ એસ્ટેટ સહિતના સ્થળોએ ટેક્સ ન ભરનારની દુકાનો અને ઓફિસો જેવી મિલકતોને તાળા મારી દેવામાં આવ્યા હતા જેના દ્વારા મિલકત વેરા તરીકે રૂ. 2.87 કરોડની આવક મેળવી હતી. બીજી બાજુ ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ, ઘાટલોડિયા, સોલા, ગોતા વિસ્તારમાં 5024 મિલકતો સીલ કરીને રૂ. 3.87 કરોડની આવક થઈ હતી. શહેરના પૂર્વ ઝોનમાં 3854 યુનિટ સીલ કરીને રૂ.3.04 કરોડનો વેરો વસૂલવામાં આવ્યો હતો. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2515 એકમોને તાળા મારીને રૂ.1.97 કરોડ, પશ્ચિમ ઝોનમાં 1679 મિલકતોને સીલ કરીને રૂ. 1.41 કરોડ, સેન્ટ્રલ ઝોનમાં 1012 મિલકતો સીલ કરી રૂ.1.36 કરોડ અને દક્ષિણ ઝોનમાં 680 એકમો સીલ કરી રૂ.1.1 કરોડની મિલકત વેરા વસૂલાત કરવામાં આવી હતી.