December 23, 2024

“અમારા લગ્ન તૂટી ચૂક્યા છે, સુધરે શકે તેમ નથી”, ઓમર અબ્દુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં કરી તલાકની અરજી

Supreme Court: નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પત્ની સાથે છૂટાછેડાને લઈને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અબ્દુલ્લાની અરજી પર કોર્ટે તેમની પત્ની પાયલ અબ્દુલ્લાને નોટિસ પાઠવીને તેમનો જવાબ માંગ્યો છે. ઓમર અબ્દુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે અમારા લગ્ન તૂટી ચૂક્યા છે અને હવે સંબંધો સુધરી શકે તેમ નથી. એટલે છૂટાછેડા જોઈએ છે. અરજી પર જજ સુધાંશુ ધૂલિયા અને જજ અહસાનુદ્દીન અમાનુલ્લાની ખંડપીઠે પાયલ અબ્દુલ્લાને નોટિસ પાઠવી 6 સપ્તાહમાં જવાબ માંગ્યો છે. તેની સાથે જ કોર્ટે કહ્યું છે કે આગામી 30 ઓગસ્ટના રોજ આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઘણા વર્ષોથી અલગ-અલગ રહે છે ઓમર અને પાયલ
ઓમર અબ્દુલ્લાનો પક્ષ રજૂ કરતાં સિનિયલ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં જણાવ્યું છે કે બંનેના લગ્ન ખતમ થઈ ગયા છે. અને છેલ્લા 15 વર્ષથી બંને જુદા રહી રહ્યા છે. તેમની વચ્ચે હવે પતિ પત્ની તરીકેના કોઈ જ સંબંધો નથી રહ્યા. તેમણે ખંડપીઠ સમક્ષ માંગ કરી છે કે બંધારણના આર્ટીકલ 142 હેઠળ મળતા અધિકાર હેઠળ આ મામલે ચુકાદો આપવા વિનંતી કરી છે.

જણાવી દઈએ કે, લગ્નને લઈને આ નિયમ સુપ્રીમ કોર્ટે ટાંક્યો હતો. તેના આધારે, છૂટાછેડાના કોઈપણ કેસને ન્યાયી ગણીને, કોર્ટ પોતે લગ્નને તોડી નાખવાનો આદેશ આપી શકે છે.

કપિલ સિબ્બલની દલીલ પર જસ્ટિસ ધૂલિયા અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાએ પાયલ અબ્દુલ્લાને નોટિસ પાઠવી છે.

હાઇકોર્ટે ફગાવી હતી ઓમર અબ્દુલ્લાની અરજી
વાસ્તવમાં, ઓમર અબ્દુલ્લાએ આ પહેલા દિલ્હી હાઇકોર્ટમાં છૂટાછેડાને લઈને અરજી કરી હતી. તેમણે દિલ્હી હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે ક્રૂરતાના આધારે તેમને છૂટાછેડાની મંજૂરી આપવામાં આવે. અબ્દુલ્લાની અરજી પર હાઇકોર્ટે કહ્યું હતું કે ઓમર અબ્દુલ્લાના આરોપો અસ્પષ્ટ છે અને સાબિત થતું કે તેમના પર તેમની પત્ની પાયલ દ્વારા ક્રૂરતા આચરવામાં આવી હોય. હાઇકોર્ટ તરફથી ઝટકો લાગ્યા બાદ હવે ઓમર અબ્દુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકાર્યો છે.

1994માં થયા હતા ઓમર અને પાયલના લગ્ન
ઓમર અને પાયલના લગ્ન સપ્ટેમ્બર 1994માં થયા હતા, પરંતુ છેલ્લા 15 વર્ષથી તેઓ અલગ રહી રહ્યા છે. ઓમરની છૂટાછેડાની અરજીને 30 ઓગસ્ટ 2016ના રોજ ફેમિલી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. ફેમિલી કોર્ટે સ્વીકાર્યું હતું કે ઓમર અબ્દુલ્લા લગ્ન ભંગાણને સાબિત કરવામાં અસફળ રહ્યા છે.

કોર્ટે કહ્યું છે કે ઓમર ક્રૂરતા અથવા છૂટા રહેવાના પોતાના દાવાઓની ખરાઈ નથી કરી શક્યા અને એવી કોઈપણ વિશિષ્ઠ પરિસ્થિતિને વ્યાખ્યાયિત કરવામાં અસમર્થ હતા, જેને કારણે પાયલ સાથે સંબંધો જાળવી રાખવા તેમના માટે અસંભવ હતું. ત્યારબાદ, ઓમર અબ્દુલ્લાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી અને હવે તેમણે છૂટાછેડા માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.