November 19, 2024

Olympics 2024: ટેનિસમાં ભારતની સફર એક જ દિવસમાં સમાપ્ત

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓલિમ્પિકના બીજા દિવસે ભારતે પહેલો મેડલ જીત્યો અને મનુ ભાકરે દેશને ગૌરવ અપાવ્યું હતું. આ વખતે ભારતમાંથી કુલ 117 એથ્લેટ ભાગ લઈ રહ્યા છે. આ વખતે 10 કે તેથી વધારે મેડલ જીતવાની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. પરંતુ ટેનિસ ઈવેન્ટમાં ભારતને નિરાશાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. એક જ દિવસમાં આ ઈવેન્ટમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું ટેનિસ અભિયાન માત્ર એક દિવસ ચાલ્યું હતું. કારણ કે સુમિત નાગલ અને રોહન બોપન્ના – એન શ્રીરામ બાલાજીની પુરુષ ડબલ્સ જોડી રવિવારે અહીં ફ્રેન્ચ ચેલેન્જર્સ સામે પોતપોતાની શરૂઆતની મેચો હાર્યા બાદ તૂટી પડી હતી.

સુમિત નાગલની આકર્ષક રમત
ઓલિમ્પિક 2024 ના બીજા દિવસે નાગલ પ્રથમ હતો, પરંતુ તેની મજબૂત બેઝલાઇન રમત ગતિશીલ કોરેન્ટિન મૌટેટ સામે પૂરતી ન હતી, જેણે ત્રણ સેટમાં પ્રભાવશાળી જીત પ્રાપ્ત કરી હતી. નાગલ બીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યો હતો. નાગલે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ વાપસી કરી હતી. તે રોલેન્ડ ગેરોસના સાત કોર્ટ પર 2-6, 6-4 અને 5-7થી હારી ગયો હતો. ટોક્યો ગેમ્સમાં, નાગલ બીજા રાઉન્ડમાં રશિયન ડેનિલ મેદવેદેવ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે તે પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: મનુ ભાકરે કર્યો ખુલાસો, ઓલિમ્પિક મેડલ લક્ષ્ય હતું અને ગીતાનું જ્ઞાન મનમાં

બોપન્ના અને બાલાજી પણ હારી ગયા
નાગલની મેચ બાદ બોપન્ના અને બાલાજી પણ હારી ગયા હતા. બોપન્ના અને બાલાજીને ફ્રેન્ચ જોડી સામે 5-7 2-6થી હાર મળી હતી. તમને જણાવી દઈએ કે ભારતે ટેનિસમાં માત્ર એક જ ઓલિમ્પિક મેડલ જીત્યો છે, જ્યારે લિએન્ડર પેસે 1996ની એટલાન્ટા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બોપન્નાએ મલ્ટિ-સ્પોર્ટ ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હોય તે કદાચ છેલ્લી વખત છે કારણ કે 44 વર્ષીય ખેલાડી ડેવિસ કપમાંથી નિવૃત્તિ જાહેર કરી ચૂક્યો છે. આ સાથે જ આ ઈવેન્ટમાં ભારતની મેડલની આશા પણ સમાપ્ત થઈ ગઈ છે.