હવે શપથ લેતી વખતે સંસદમાં નહીં થાય સૂત્રોચ્ચાર, સ્પીકર ઓમ બિરલાએ કર્યો મોટો ફેરફાર
નવી દિલ્હી: હવે કોઈપણ સંસદ સભ્ય લોકસભામાં શપથ લેતી વખતે સૂત્રોચ્ચાર કરી શકશે નહીં. 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન કેટલાક સાંસદોએ શપથ લેતી વખતે ‘જય પેલેસ્ટાઈન’, ‘જય હિન્દુ રાષ્ટ્ર’ જેવા નારા લગાવ્યા હતા. આ અંગે ભારે હોબાળો થયો હતો. આને ધ્યાનમાં રાખીને લોકસભા અધ્યક્ષે નિયમોમાં કેટલાક સુધારા કર્યા છે. હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે શપથ લેતી વખતે કોઈપણ સભ્ય શપથ સિવાય અન્ય કોઈ શબ્દ કે અભિવ્યક્તિનો ઉપયોગ કરશે નહીં. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આરોપ લગાવ્યો હતો કે ઘણા સભ્યોએ શપથ ગ્રહણના અવસરનો ઉપયોગ રાજકીય સંદેશ આપવા માટે કર્યો હતો.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની સૂચના પર કરવામાં આવેલો સુધારો (દસમી આવૃત્તિ) જણાવે છે કે લોકસભામાં કાર્યપ્રણાલી અને કારોબારના નિયમોના નિયમ 389ના અનુસંધાનમાં (સત્તરમી આવૃત્તિ) સ્પીકરે નીચે મુજબનો સુધારો કર્યો છે. સૂચનાઓ- ‘સભ્યએ ભારતના બંધારણની ત્રીજી અનુસૂચિમાં હેતુ માટે નિર્ધારિત ફોર્મમાં, જેમ બને તેમ, શપથ અથવા પ્રતિજ્ઞા લેવડાવવી અને સબ્સ્ક્રાઇબ કરવી જોઈએ. શપથ અથવા પ્રતિજ્ઞાના રૂપમાં કોઈપણ શબ્દ અથવા અભિવ્યક્તિનો ઉપયોગ કરવો નહીં અથવા કોઈપણ ટિપ્પણી (ઉપસર્ગ અથવા પ્રત્યય દ્વારા) કરવી જોઈએ નહીં.
આ પણ વાંચો: કેમ અધૂરી છે ભગવાન જગન્નાથજી સહિત ભાઈ-બહેનની મૂર્તિઓ, જાણો કથા
હિન્દુ સંગઠનોએ ઓવૈસી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું
AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન શપથગ્રહણના બીજા દિવસે શપથ લીધા હતા. આ દરમિયાન તેમણે ગૃહમાં ‘જય પેલેસ્ટાઈન’ના નારા લગાવ્યા હતા. જેને લઈને રાજકારણ ગરમાયું હતું. દિલ્હીમાં હિન્દુ સંગઠનોના કાર્યકરોએ ઓવૈસી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. તેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો સામેલ હતા.
ગઈકાલે ઓવૈસીના દિલ્હીના આવાસ પર કાળી શાહી ફેંકવાની ઘટના પણ સામે આવી હતી. AIMIM સાંસદ ઓવૈસીએ પોતે આ ઘટનાની જાણકારી આપી હતી. ઓવૈસીએ કહ્યું હતું કે કેટલાક અજાણ્યા બદમાશોએ તેમના ઘરમાં કાળી શાહી ફેંકી તોડફોડ કરી હતી. મારા દિલ્હીના રહેઠાણને કેટલી વાર નિશાન બનાવવામાં આવ્યું તેની ગણતરી હવે હું ગુમાવી ચૂક્યો છું.