May 3, 2024

Flipkartમાં મળશે જલ્દી જ ક્વિક સર્વિસ, ઓર્ડર થોડી જ મિનિટોમાં ઘરે

નવી દિલ્હી: વોલમાર્ટની ઈ-કોમર્સ સેક્ટરની પ્રમુખ કંપની ફ્લિપકાર્ટ ક્વિક કોમર્સ બિઝનેસમાં પ્રવેશ કરવાની યોજના બનાવી રહી છે. તેમનો ઉદ્દેશ્ય ગ્રાહકોને ખરીદીના તુરંત બાદ જ ઓર્ડરની ડિલીવરી મળે તે નક્કી કરવાનો છે. આવનારા કેટલાક મહિનાઓમાં આ સર્વિસની શરૂઆત થશે. જે બાદ જેપ્ટો, સ્વિગીના ઈન્સ્ટામાર્ટ અને ઝોમેટોના બ્લિંકિટ જેવી કંપનીઓ ફ્લિપકાર્ટથી ટક્કર થશે. મળતી માહિતી અનુસાર, કંપની આ વર્ષે મેની શરૂઆતમાં પસંદગીના સ્થળોએ ઇન્સ્ટન્ટ-ડિલિવરી સેવા શરૂ કરવા માંગે છે.

આગામી મહિનાઓમાં વધુ પહેલની અપેક્ષા
અહેવાલમાં ફ્લિપકાર્ટ વિશે જણાવવામાં આવ્યું હતું કે, “ઈ-કોમર્સ પેઢી ગ્રાહકોની વિકસતી અપેક્ષાઓને પહોંચી વળવા અને મૂલ્ય, પસંદગી અને ઝડપમાં શ્રેષ્ઠતા પ્રદાન કરવા માટે પ્રતિબંદ્ધ છે. જેમાં આગામી મહિનાઓમાં આ મોરચે વધુ પહેલની અપેક્ષા છે.”

Dunzo હસ્તાંતરણની પણ શક્યતા
નોંધનીય છે કે, આ દિવસોમાં ફ્લિપકાર્ટ ઇન્સ્ટન્ટ-ડિલિવરી ફર્મ ડંઝોને હસ્તગત કરવાની શક્યતાઓ પણ શોધી રહી છે. મળતી માહિતી મુજબ, ફ્લિપકાર્ટે આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે મેટ્રો અને નોન-મેટ્રો શહેરોમાં બહુવિધ કેટેગરીમાં ઉત્પાદનોની એક જ દિવસમાં ડિલિવરી શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

આ શહેરોમાં સેવા ઉપલબ્ધ થશે
આ પગલાથી અમદાવાદ, બેંગલુરુ, ભુવનેશ્વર, કોઈમ્બતુર, ચેન્નાઈ, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, કોલકાતા, લખનૌ, લુધિયાણા, મુંબઈ, નાગપુર, પુણે, પટના, રાયપુર, સિલીગુડી અને વિજયવાડા સહિતના ઘણા શહેરોમાં ગ્રાહકો જોડાશે.