December 22, 2024

રામ મંદિરના ઉદ્ઘાટનને લઈ ન્યૂયોર્કના મેયર બોલ્યા, હિન્દુ સમુદાય અતિ મહત્ત્વનો

ન્યૂયોર્ક: “રૂડા અવસર આવ્યા”…વાજતે ગાજતે ભગવાન શ્રી રામના વધામણા કરવા લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ત્યારે દેશની સાથે રામ નામનું નામ વિદેશમાં પણ ગુંજી રહ્યું છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા જયારે કરવામાં આવશે ત્યારે દુનિયાના તમામ લોકોના મોઢે રામનું નામ લેવાતું થશે. ત્યારે ન્યૂયોર્કના મેયર એરિક એડમ અને ડેપ્યુટી કમિશનર ફોર ઈન્ટરનેશનલ અફેર્સ દિલીપ ચૌહાણે ન્યૂયોર્કમાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નિવેદન આપ્યું છે.

હિંદુઓમાં ભારે ઉત્સાહ
ન્યૂયોર્કના મેયર એરિક એડમ અને ડેપ્યુટી કમિશનર ફોર ઈન્ટરનેશનલ અફેર્સ દિલીપ ચૌહાણે ન્યૂયોર્કમાં માતા કી ચૌકીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમયે તેમને ભારતના રામ મંદિરને લઈને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હિંદુ સમુદાયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે રામ મંદિરના ઉદ‌્ઘાટનને લઈને ન્યૂયોર્કના હિંદુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભારતને શુભેચ્છા પાઠવી
ન્યૂયોર્કમાં ગીતા મંદિર ખાતે આ માતા કી ચોકીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મંદિરના પૂજારી દ્વારા મેયર એરિક એડમ અને દિલીપ ચૌહાણનું શાલ ઓઢાડીને ભાવ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે મેયર એરિક એડમે કહ્યું કે ન્યૂયોર્ક સિટીમાં હિન્દુ સમુદાયમાં ખુશી જોવા મળી રહી છે. હિન્દુ સમુદાયને તેમની આધ્યાત્મિકતાની ઉજવણી કરવાની તક આવી રહી છે. દિલીપ ચૌહાણે કહ્યું કે અમે હિન્દુ સમાજને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. વધુમાં કહ્યું કે ન્યૂયોર્કમાં દિવાળીની ઉજવણીને ધ્યાનમાં રાખીને અમે શાળાઓમાં રજા જાહેર કરી છે. દિલીપ ચૌહાણે પણ રામ મંદિર માટે ભારતને શુભેચ્છા પાઠવી છે.

22 જાન્યુઆરીએ દુનિયામાં રામ રામ
22 જાન્યુઆરી દરેક ભારતીય માટે ખાસ છે. તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને દેશમાં વસતા હિન્દુઓની સાથે વિદેશમાં રહેતા હિન્દુઓમાં ભારે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં શ્રી રામ પર ગીતો બની રહ્યા છે અને રિલ્સ પણ વાયરલ થઈ રહી છે. ખાસ વાત તો એ છે પ્રધાનમંત્રી મોદી પણ ભગવાન રામ પર બનેલા ગીતો (X)ટ્વિટર પર શેર કરી રહ્યા છે.

આ પણ વાચો: બાંગ્લાદેશમાં બદમાશોએ ચૂંટણીના બે ‘ દિ પૂર્વે ટ્રેનને આગચંપી કરી