January 24, 2025

સુરતમાં 15 કોમર્શિયલ ગરબાનું આયોજન, એકને પણ નથી મળી હજુ સુધી મંજૂરી

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાં ગરબાના આયોજનને લઈને હજુ પણ પોલીસની મંજૂરી ન મળતા આયોજકો અશમંજસમાં મુકાયા છે. ગરબાના આયોજનની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં 27 મોટા સહિત અલગ અલગ સોસાયટી તેમજ જગ્યાઓમાં 3,000 કરતાં વધારે ગરબાના આયોજનો થશે. તો 27 મોટા આયોજનો પૈકી 15 કોમર્શિયલ ગરબાના આયોજન કરવામાં આવ્યા છે પરંતુ આ 15 આયોજનમાંથી એક પણ આયોજકને ગરબા રમાડવા બાબતે સુરત પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી.

સુરતમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિની રંગેચંગે ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઈને સમગ્ર સુરતમાં નાના-નાના શેરી ગરબાની સાથે સાથે કોમર્શિયલ ગરબાનું પણ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં અલગ અલગ 15 કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તો, 27 મોટા સહિત 3000થી વધુ નાના નાના ગરબાના આયોજન કરવામાં આવ્યું છે. જોકે, ચોંકાવનારી માહિતી એવી સામે આવી છે કે 15 માંથી એક પણ મોટા ગરબા આયોજકોને હજુ સુધી મંજૂરી અપાઈ નથી.

રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ નિયમોમાં કોઈપણ પ્રકારની બાંધછોડ સુરત પોલીસ કરવા માગતી નથી અને એટલા માટે હજુ સુધી એક પણ ગરબા આયોજન અને મંજૂરી સુરતમાં મળી શકતી નથી. સ્ટેબિલિટી રિપોર્ટ, લાઈટ એન્ડ જનરેટર નિયમ મુજબ છે કે નહીં આ તમામ બાબતોની ચકાસણી બાદ જ ગરબાના આયોજનને મંજૂરી મળી શકશે. તો બીજી તરફ સુરત શહેરમાં વરસાદી માહોલ હોવાના કારણે કેટલાક ગરબા આયોજકોના ડોમ તૈયાર નથી અને આ ડોમ મોડા તૈયાર થયા હોવાના કારણે હજુ સુધી કેટલા ગરબા આયોજકો પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કે ફાયર એનઓસી નથી અને તેના જ આધારે તેમને સુરત પોલીસ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી નથી.

શહેરના મોટા કોમર્શિયલ ગરબા આયોજકોને ફાયર NOC, સ્ટેબીલીટી રિપોર્ટ, લાઈટ એન્ડ જનરેટર નિયમ મુજબ છે કે નહીં તે બાબતે ચકાસણી કરવામાં આવશે. કોમર્શિયલ ગરબા આયોજનમાં હજુ અલગ અલગ ડોમમાં સ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે. ડોમનું કામ પૂર્ણ થયા બાદ SMCની ટિમ સ્થળ તપાસ કરશે ત્યારબાદ NOC આપવામાં આવશે. તો, ગરબા આયોજકોને SMC તરફથી NOC મળ્યા બાદ પોલીસ તરફથી મંજૂરી આપવામાં આવશે.

મહત્વનું છે કે, નવરાત્રિના પ્રારંભ થતાં પહેલા છેલ્લા દિવસોમાં થયેલા ભારે વરસાદને કારણે સ્ટ્રક્ચર ઊભું કરવામાં વિલંબ થયું છે. ગરબા આયોજકોએ જણાવ્યું છે કે છેલ્લા 1 અઠવાડિયાથી પડેલા વરસાદના કારણે સ્ટ્રક્ચર તૈયાર થવામાં મોડું થયું છે. કેટલાક ગરબા આયોજકોએ બે દિવસ બાદ નવરાત્રીનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. આ બાબતે સુરત શહેર પોલીસ સ્પેશિયલ બ્રાન્ચ DCP હેતલ પટેલે જણાવ્યું છે કે જે આયોજકોને પરમિશન નહીં મળે તેમને ગરબાનું આયોજન કેન્સલ કરવું પડશે.

ગરબા આયોજન કે ગ્રાઉન્ડ પર પોતાની કામગીરી પૂર્ણ થયા બાદ સુરત મહાનગરપાલિકાને NOC બાબતે માહિતી આપવાની રહેશે અને સુરત મહાનગરપાલિકાની ટિમ સ્થળ તપાસ કર્યા બાદ NOC આપશે. ત્યારબાદ આ NOC પોલીસ સમક્ષ ગરબા આયોજકોએ રજૂ કરવાની રહેશે અને તમામ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત થયા બાદ અને તમામ બાબતની મંજૂરી અને NOC મળ્યા બાદ સુરત શહેર પોલીસ ગરબાના આયોજકોને ગરબા માટે મંજૂરી આપશે. મહત્વની વાત એ છે કે જે આયોજકને મંજૂરી નહીં મળે ત્યાં આયોજકો ગરબા યોજી શકશે નહીં. તો કેટલાક આયોજન જે કોમર્શિયલ પાર્ટી પ્લોટમાં થયા છે ત્યાં પાણી ભરાયું હોવાના કારણે ખેલૈયાઓ રમી શકે તેવી પરિસ્થિતિ મેદાનની દેખાઈ રહી નથી અને એટલા માટે જ આવા આયોજકો બે દિવસ બાદ ગરબાનું આયોજન કરશે.