December 23, 2024

National Startup Day: દેશમાં બુલેટ ટ્રેનની ઝડપે વધી રહ્યા છે Startup

Statup

દેશમાં નાનાપાયા પર નવા વિચારો સાથે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરે એ વિચારણા સાથે કેન્દ્ર સરકારે સ્ટાર્ટઅપ ડેની ઉજવણીની શરૂઆત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં 16 જાન્યુઆરીના દિવસને ‘નેશનલ સ્ટાર્ટઅપ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી. આ જાહેરાત બાદ સ્ટાર્ટઅપ શરૂ કરનાર વ્યક્તિઓને સરકાર દ્વાર નાણાકિય રીતે અનેક સબસિડીઓ અને છૂટછાટ આપવામાં આવી.

આ પણ વાંચો: ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે NDB દ્વારા $500 મિલિયનની લોન

સ્ટાર્ટઅપ ક્ષેત્રે વાત કરવામાં આવે તો ભારત વિશ્વનો ત્રીજો વધુ સ્ટાર્ટઅપ ધરાવતો દેશ છે. સારી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને કારણે દેશમાં દર વર્ષે 36 ટકાના વધારા સાથે સ્ટાર્ટઅપમાં વધારો થઈ રહ્યો છે. આ રેસમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે. વર્ષ 2023માં 36 હજારથી વધુ સ્ટાર્ટઅપને માન્યતા મળી હતી. DPIIT અનુસાર, 31 ઓક્ટોબર, 2023 સુધીમાં દેશમાં 1,14,902 માન્ય સ્ટાર્ટઅપ છે. મહત્વનું છેકે દેશના 47 ટકા સ્ટાર્ટઅપમાં એવા છે જ્યાં ઓછામાં ઓછી એક મહિલા ડિરેક્ટર છે. નવીનતાને પ્રોત્સાહન આપવા અને દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં રોકાણને પ્રોત્સાહિત કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ 16 જાન્યુઆરી 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છેલ્લા 6 વર્ષમાં વધુ મજબૂત બની છે.

ભારત સાઈન્ટિફિક પબ્લિકેશનમાં પ્રથમ, નવા આઈડિયામાં બીજા સ્થાને અને યુનિકોર્ન સ્ટાર્ટઅપની સંખ્યામાં ત્રીજા ક્રમે છે. આ સિવાય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, હેલ્થ, એજ્યુકેશન અને એગ્રીકલ્ચરને લગતા સ્ટાર્ટઅપ્સે પણ સારો દેખાવ કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડિંગ સ્કીમ (SISFS) હેઠળ ભારત સરકારે નવા સ્ટાર્ટઅપને નાણાકીય પ્રોત્સાહન આપવા માટે 2021-22 થી આગામી 4 વર્ષ માટે રૂ. 945 કરોડ મંજૂર કર્યા છે. ભારતીય સ્ટાર્ટઅપની કુલ મૂડી 2030 સુધીમાં 300 અરબ ડોલરથી વધુ હોવાનું અનુમાન રાખવામાં આવ્યું છે. હાલમાં તે લગભગ 150 અબજ ડોલરની આસપાસ છે.

2025 સુધીમાં યુનિકોર્નની સંખ્યા 150 થી વધુ હશે

યુનિકોર્ન સ્ટાર્ટઅપની સંખ્યામાં અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ભારતમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપની સંખ્યા હાલમાં 100થી વધુ છે. સ્ટાર્ટઅપની વૈલ્યુએશન એક અબજ ડોલર (આશરે રૂ. 8,300 કરોડ) કરતાં વધી જાય છે. ત્યારે તેને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવામાં આવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 2025 સુધીમાં ભારતમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપની સંખ્યા 150 થી વધુ હશે.