November 15, 2024

નર્મદામાં લીઝના સંચાલકોની પડતર પ્રશ્નોને લઈને હડતાળ

પ્રવિણ પટવારી, નર્મદાઃ લીઝના સંચાલકો દ્વારા પડતર પ્રશ્નોને લઈને હડતાળ પાડવામાં આવી છે. નર્મદા જિલ્લા બ્લેકટ્રેપ ક્વોરી લીઝ એસોસિએશના સભ્યોએ સમર્થન જાહેર કર્યું છે. જેની અસર તમામ લોકો પર જોવા મળી રહી છે. કલેક્ટરને રજૂઆત કરી અને સરકારને પણ છતાં સરકાર યોગ્ય નિર્ણય ના લેતા મામલો ગરમાયો છે.

નર્મદા જિલ્લામાં ક્વોરી ઉધોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યો નથી. હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજન કારણસર ગુજરાત રાજ્ય ખાણખનીજ વિભાગ દ્વારા નોટિસ આપતા ખાણોનાં રોયલ્ટી એકાઉન્ટ (ATR) ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા સ્તરની પર્યાવરણીય કમિટી DEIAA દ્વારા ઈસ્યૂ કરવામાં આવેલા તમામ EC (એનવાયર્મેન્ટ સર્ટિફિકેટ) આપેલા હોવા છતાં રાજ્ય સ્તરની પર્યાવરણ કમિટી (SEIAA) દ્વારા ફરીથી મૂલ્યાંકનની કાર્યવાહી આગામી 26 ઓક્ટોબર 2024 સુધીમાં પૂર્ણ નહીં થાય તો લગભગ રાજ્યભરની બાકી રહેલી તમામ ક્વોરિલિઝ (ATR) બંધ કરવાનો વારો આવે સરકારના આવા નિર્ણયથી ક્વોરી એસોસિયેશને વિરોધ કર્યો છે.

હાલ 31 ઓક્ટોબરના રોજ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હોવાથી અને હાલ વરસાદને લઈ રોડ ખરાબ થયા છે. જેને લઈ હાલ રોડ બનાવવાનું કરોડો રૂપિયાના કામ મંજૂર થયા છે. જો આ ક્વોરી ઉદ્યોગ બંધ રહેતા આ વિકાસના કામોમાં પણ બ્રેક વાગશે. બીજી બાજુ આ ક્વોરી ઉધોગ બંધ રહેતા 500 કરતાં વધુ રોજમદારોની રોજગારી પણ છીનવાઈ છે. સામે દિવાળી પણ આવી રહી છે, ત્યારે હવે સરકાર આ ક્વોરી ઉદ્યોગ વહેલી તકે ચાલુ થાય એવી પણ માગ ઉઠી છે.