January 22, 2025

‘ભારત ઋણી છે સ્વામીનાથનનો’

અત્યારે સમગ્ર દેશમાં આત્મનિર્ભરતા પર ખૂબ ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે અન્નના મામલે દેશને આત્મનિર્ભર કરનારા સ્વામીનાથનને સલામ કરવા રહ્યા. હવે મોદી સરકારે ભારતરત્ન સન્માન માટે તેમની પસંદગી કરી છે. શા માટે આ દેશ તેમનો ખૂબ જ ઋણી છે એ જાણીએ.

સ્વામીનાથને જ દેશને પીએલ-480થી મુક્ત કર્યો છે. તમારા મનમાં સવાલ થતો હશે કે પીએલ-480 શું છે? આ એક કરાર હતો. એને સમજવા માટે આપણે આઝાદી પછીના સમયમાં જવું પડે. આઝાદી પછી દેશ અન્ન સંકટનો સામનો કરી રહ્યો હતો. એટલે જ ભારતે ૧૯૫૪માં અમેરિકાની સાથે લાંબા ગાળાનો કરાર કર્યો હતો. આ કરાર જ પીએલ-480 છે. આ કરાર હેઠળ ભારત અમેરિકા પાસેથી અન્ન સહાય મેળવતું હતું. એના બદલામાં ભારતે ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓના પ્રવેશ માટેના નિયમો હળવા કરવાના હતા. બંને વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીને આ કરારની શરતો દેશ માટે અપમાનજનક લાગી. વળી, અમેરિકા તરફથી ભારતને જે અન્ન મોકલવામાં આવતું હતું એ માનવવપરાશ માટે યોગ્ય પણ નહોતું. એટલે ૧૯૬૦ના દશકમાં આ કરારનો ભંગ કરવામાં આવ્યો.

જેના કારણે અન્નની ભારે અછત થવા લાગી. 1965માં તો સ્થિતિ ખૂબ જ વિકટ હતી. ભારત બંને મોરચે લડી રહ્યું હતું. સરહદ પર પાકિસ્તાનની સાથે અને દેશમાં વ્યાપક ભૂખમરાની સામે. એ સમયે શાસ્ત્રીની સરકારે ભારતમાં ખેતીની દશા બદલવા માટે સ્વામીનાથનની સાથે કામ કર્યું. જાન્યુઆરી ૧૯૬૬માં ઇન્દિરા ગાંધી વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે પણ અન્ન માટેની વિદેશો પરની નિર્ભરતા ઘટાડવા માટે હાકલ કરી. હવે સ્વામીનાથને દેશમાં કૃષિ ક્ષેત્રની દશા જ બદલી નાંખી.

સ્વામીનાથન દેશમાં જમીન પરીક્ષણ કરીને એને અનુરૂપ જાતની ખેતી કરવાનો પાયો નાંખ્યો હતો. તેમને અન્નના મામલે દેશને આત્મનિર્ભરતા અપાવવામાં ખાતરોથી વધુ સફળતા મળી હતી. હવે તેમની બીજી એક સિદ્ધિની વાત કરું તો તેમણે ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી એક ચોક્કસ પ્રકારના ડાંગરની આયાત કરી હતી. એ પછી તેમણે ભારતની પરિસ્થિતિને અનુરૂપ એમાં ફેરફારો કર્યા હતા. જેના લીધે ભારતમાં ચોખાનું મબલક ઉત્પાદન થવા લાગ્યું. બલકે, ભારત બીજા દેશોમાં ચોખાની નિકાસ કરવાની સ્થિતિમાં આવ્યો. એ પછીનાં વર્ષોમાં ખેડૂતોએ નવી નવી જાતો અપનાવીને વધુ અન્ન ઉત્પાદન મેળવ્યું. ખેડૂતોની આવકમાં વધારો થવાના કારણે એકંદરે દેશની અર્થવ્યવસ્થામાં પણ સુધારો થવા લાગ્યો. સ્વામીનાથને સિંચાઈ માટેની સુવિધાઓ પણ વધારી હતી.

હવે તેમની આ જીવનયાત્રામાં ગાંધીજીનો ખૂબ જ પ્રભાવ છે. ગાંધીજીના આદર્શો અને બંગાળમાં દુષ્કાળ અને ભૂખમરાના કારણે ૨૦થી ૩૦ લાખ લોકોનાં મોતની સ્થિતિ જોઈને તેમણે આઇપીએસ ઓફિસરની નોકરી છોડી દીધી અને સંશોધનમાં ઝંપલાવ્યું. સમગ્ર દેશ જાણે છે કે તેમના આ નિર્ણયથી ન માત્ર તેમની પરંતુ દેશભરના લોકોની જિંદગી બદલાઈ ગઈ.