May 20, 2024

હલદ્વાનીની હિંસા મામલે DGPનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું – પૂર્વયોજિત કાવતરું

Haldwani Violance News update dgp said it was preplanned

ફાઇલ તસવીર

Haldwani Violance News: હલદ્વાનીમાં હિંસા કેમ થઈ? લોકોએ જવાબ આપ્યો કે, ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદ પર બુલડોઝર ફેરવવા મામલે… પરંતુ હવે આમાં કાવતરું રચ્યું હોવાની આશંકા છે. નૈનીતાલના ડીએમ વંદના સિંહ બાદ હવે રાજ્યના ડીજીપી અભિનવ કુમારે પણ કાવતરાની વાત કરી છે. હલદ્વાની પહોંચીને પ્રાથમિક તપાસ બાદ ડીજીપીએ કહ્યુ કે, જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, તેની પાછળ કોઈકનું કાવતરું છે. તેની તપાસ ચાલુ છે. તેમણે આરોપીઓ સામે કડક પગલાં લેવાની વાત કરી છે.

સવારે મુખ્ય સચિવ અને એડીજી સાથે હલદ્વાની પહોંચેલા ડીજીપીએ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને હિંસાગ્રસ્ત વનભૂલપુરા પણ ગયા હતા. ત્યારબાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, ‘તંત્ર ન્યાયતંત્રના આદેશથી દબાણ હટાવવા માટે ગયું હતું. જે રીતે ત્યાં ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો, પેટ્રોલ બોમ્બ ફેંક્યા, આગચંપી કરી, ગેરકાયદેસર હથિયારો સાથે ફાયરિંગ કર્યું. તેનાથી અમને સ્પષ્ટરીતે એવું લાગે છે કે, આ મોટું પ્લાન હતું. ત્યાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે અને સ્થિતિ હાલ સ્થિર છે.’

ડીજીપીએ કહ્યુ કે, પહેલી પ્રાથમિકતા છે કે કર્ફ્યૂ હટાવી લેવામાં આવે. ત્યારબાદ તેમને પૂછવામાં આવ્યું કે, આ માત્ર મદરેસા હટાવવાનું રિએક્શન હતું કે પછી સુનિયોજિત કાવતરું હતું? આ મામલે ડીજીપીએ કહ્યુ કે, ‘જે રીતે ભીડ ભેગી થઈ હતી, જે ઝડપી તેઓ એકઠાં થયા, જે રીતે તૈયારી કરી હતી. નક્કી આ પાછળ કાવતરું ઘડ્યું હશે, આ કંઈક પ્લાનિંગ લાગે છે. તેની અમે તપાસ કરી રહ્યા છીએ. દોષિતોને ઓળખીને કાર્યવાહી કરવામાં આવશે.’

ડીજીપીએ કહ્યુ કે, જે લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને હુમલો કર્યો, તે બધા પર ગણીગણીને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને એનએસએ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, કર્ફ્યૂ લગાવવાથી સ્થિતિ ઘણી હદ સુધી નિયંત્રણમાં આવી ગઈ છે.

ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતૂડીએ કહ્યુ કે, ‘અમે લોકો સમગ્ર પરિસ્થિતિનો સારી રીતે અભ્યાસ કરીશું અને ત્યારબાદ લિગલ એન્ગલ જોઈશું. સરકાર પર કોઈ કાર્યવાહી થશે તો તેમાં જે લોકો દોષી હશે તેની સામે કાર્યવાહી થશે. અમે સ્થિતિનો અભ્યાસ કર્યા પછી મુખ્યમંત્રીને વિસ્તૃત જાણકારી આપીશું. હિંસાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.’