લો બોલો! સારવાર માટે ગયેલા ડૉક્ટરને દર્દીએ લૂંટી લીધો
યોગીન દરજી, નડિયાદઃ તાલુકાના મરીડા ગામે માથાભારે ઈસમે તબીબને સારવારના બહાને અવવારું જગ્યા પર બોલાવ્યા હતા અને ત્યારપછી તેમની પાસેથી રોકડ રકમ અને સોનાના દોરાની લૂંટ કરી લીધી હતી. આ સમગ્ર ઘટના અંગે નડિયાદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
નડિયાદ તાલુકાના મરીડા ગામે વણકરવાસમાં રહેતા 27 વર્ષીય વિશાલ સંજયકુમાર શાહ BHMS છે અને મરીડા ગામે ક્લિનિક ચલાવે છે. ગત 20 ફેબ્રુઆરીએ મોડી રાતે પોણા નવ એક વાગ્યાની આસપાસ તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં અજાણી વ્યક્તિએ જણાવ્યુ હતુ કે, ‘મારી દીકરીને ઝાડા ઉલટીની બીમારી થઈ ગઈ છે, જેથી તમે અમારા ઘરે વિઝીટ કરવા આવો.’ પરંતુ તબીબે પહેલા તો ઇન્કાર કરી દીધો હતો. પરંતુ સામે વાળી વ્યક્તિએ ફોન પર આજીજી કરતા તબીબ બતાવેલા સરનામા પર પહોંચ્યા હતા. ફોન પરની વ્યક્તિએ નડિયાદ-મરીડા રોડ પર હિંગની ફેક્ટરીની પાછળ ફાર્મ પાસેના ગેટ પાસે આવી ફોન કરવા તબીબને જણાવ્યું હતું. જેથી તબીબે ત્યાં પહોંચી વ્યક્તિને ફોન કરતા અજાણી વ્યક્તિએ તેને અવાવરૂ જગ્યા પર લઈ ગઈ હતી.
અવાવરૂ જગ્યા પર લઇ ગયા બાદ ખેલ પાડ્યો
તબીબને અવાવરૂ સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. ત્યાં બે ઈસમો હાજર હોવાથી આ લોકોએ જણાવ્યુ હતુ કે, તારો ડોક્ટરનો ધંધો સારો ચાલે છે અને તું ખૂબ કમાય છે. જેથી જૈમીન પરમારે તારા વિરૂદ્ધમાં જે કેસ કરેલા તેના ખર્ચાના રૂપિયા તારી પાસે લેવાના છે. જેથી તારે રૂપિયા 50 હજાર જૈમીન પરમારને આપવા પડશે. તેમ કહી બંને ઇસમોએ તબીબ વિશાલને ધોલ-ધપાટ કરી ફેંટ પકડી પૈસાની માંગણી કરતા રોકડા રૂપિયા 3440 અને ગળામાં પહેરેલો રૂપિયા 38 હજારની કિંમતની સોનાની ચેઈન બળજબરીપૂર્વક કઢાવી દીધી હતી.
કાવતરાખોરે ડોક્ટરને કહ્યું – હવે આપણો હિસાબ પૂરો
આ સમગ્ર ઘટના બાદ ડોક્ટર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે મરીડા ચોકડી પાસે તેમને ગામની વ્યક્તિ મળતા તેઓ ત્યા ઉભા રહી ગયા હતા. તે જ સમયે જૈમીન પરમારે ગુનાને અંજામ આપનારા અજાણી વ્યક્તિને બાઈક પર લઈ ત્યાંથી નિકળ્યો હતો અને તબીબ વિશાલને કહ્યુ હતુ કે, હવે આપણો હિસાબ પૂરો. જો આ સમગ્ર મામલે કોઈને કહ્યું છે અથવા તો ફરિયાદ કરી છે તો તારી ખેર નથી, તેમ કહી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. આ ઘટનાથી ડરી ગયેલા તબીબ વિશાલ 2 દિવસ તો ચૂપ રહ્યા હતા. પરંતુ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તેમણે નડિયાદ ટાઉન પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે પણ આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.