May 20, 2024

નીકળ્યા સોનાની શોધમાં, મળ્યો અમૂલ્ય હડપ્પીય સંસ્કૃતિનો ખજાનો!

kutch lodranni new harappan civilization site discovered

પુરાતત્વ વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે

કૌશિક કંઠેચા, કચ્છઃ જિલ્લાના એક ગામમાં કેટલાક લોકો સોનાની શોધમાં ગયા હતા. ત્યાં તેઓ એક જગ્યા પર સોનું શોધી રહ્યા હતા, ત્યારે તેમને હડપ્પા સભ્યતાના અમૂલ્ય અવશેષ મળ્યા છે. આ ઘટનાની જાણ તેમણે પુરાતત્વ વિભાગને કરી હતી. ત્યારબાદ તાત્કાલિક પુરાતત્વ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં તેમણે સપનામાં પણ ન વિચારી શકાય તેવો ખજાનો શોધી કાઢ્યો છે.

ગુજરાતના કચ્છ જિલ્લામાં હજારો વર્ષ જૂની સભ્યતાના અવશેષ મળી ચૂક્યાં છે. ત્યારે હવે ફરી એકવાર હજારો વર્ષ જૂનાં હરપ્પન સભ્યતાના મળેલા અવશેષોએ સૌને ચોંકાવી દીધા છે. હડપ્પા કાળની ધોળાવીરા વિશ્વ હેરિટેજ સાઈટથી 50 કિલોમીટર દૂર લોદ્રાણી ગામના લોકોને એવી જાણ થઈ હતી કે, અહીં સોનું છુપાયેલું છે. સોનું મળવાની આશામાં પાંચ વર્ષ પહેલાં ગામના કેટલાક લોકો શોધખોળ કરવા નીકળી પડ્યા હતા. તેમણે ખોદકામ કર્યું ત્યારે ત્યાં સોનું તો ન મળ્યું, પરંતુ હડપ્પીય સભ્યતાના એક કિલ્લેબંધ શહેરના અવશેષો મળી આવ્યા હતા.

આ ગામના નથુભાઈ મોતીએ આ સમગ્ર માહિતી ધોળાવીરા હડપ્પન સાઇટના જૂના ગાઈડ જેમલ મકવાણાને આપી હતી. તેઓ આ જગ્યા જોઈને દંગ રહી ગયા હતા. કારણ કે, જે અવશેષો મળ્યા હતા તે હડપ્પા સભ્યતાની જેવાં જ દેખાઈ રહ્યા હતા. જેમલ મકવાણાએ તાત્કાલિક આ વિશે એએસઆઈના પૂર્વ એડીજી અને પુરાતત્વવિદ અજય યાદવને જણાવ્યું હતું. તેઓ હાલ ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ આર્કિયોલોજીના રિસર્ચ સ્કોલર છે. અજય યાદવ અને પ્રોફેસર ડેમિયન રોબિન્સન બંને ગુજરાતના કચ્છ જિલ્લામાં પહોંચ્યા હતા. તેમણે પુરાતત્વ સાઈટની માહિતી મેળવી હતી. તેમને જોયું કે, આ પ્રાચીન સાઈટની બનાવટ ધોળાવીરા સાઈટને મળતી આવે છે. જગ્યા પરના પથ્થરો હટાવીને જોયું તો અનેક અવશેષો મળ્યા હતા. આ અવશેષ હડપ્પીયન યુગના હતા. અજય યાદવે જણાવ્યું કે, આ જગ્યાને મોટા પથ્થરોનો ઢગલો સમજીને ગામ લોકોએ તેને નજરઅંદાજ કર્યા હતા.

સ્થાનિક ખેડૂત નાથુભાઈ મોતીએ જણાવ્યુ કે, વર્ષોથી આ પુરાતત્વ ત્યાં છે પરંતુ કોઈએ તેની નોંધ લીધી નથી. અનેક લોકો સોનાની શોધમાં અહીં ખોદકામ કરતા હતા, પરંતુ એક મહિના પહેલાં જ્યારે તેમણે સ્થળની મુલાકાત લીધી ત્યારે તેમને લાગ્યું કે તેને કોઈએ દાટી દીધું છે. આ એક જૂનું શહેર હોવાનું જણાય છે, ત્યારપછી તેણે આ માહિતી તેના સંબંધી જેમલભાઈ મકવાણાને જણાવી અને બાદમાં જાણ થઈ કે આ એક હેરિટેજ સાઈટ છે જે હડપ્પન સભ્યતાની છે.

ગામલોકોને લાગતુ હતું કે, અહીં એક મધ્યકાલીન કિલ્લો હતો, જેનો ખજાનો અહીં છુપાયેલો હોઈ શકે છે. પરંતુ અમે શોધ કરી તો હડપ્પા કાળની વસ્તી મળી આવી. અહીં અંદાજે 4500 વર્ષ પહેલાં એક પ્રાચીન સભ્યતાનું શહેર હતું. આ જગ્યાની શોધ જાન્યુઆરી મહિનામાં કરવામાં આવી હતી. તેનું નામ મોરોધારો છે. ગુજરાતીમાં તેનો અર્થ મીઠું એટલે કે પીવાનું યોગ્ય પાણી એમ થાય છે. સ્થાનિક ગામના લોકો આ અવશેષોને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. કારણ કે તેમને થોડું વિચિત્ર લાગ્યું કે આટલું અમૂલ્ય 4500 વર્ષ જૂનું પુરાતત્વ સ્થળ તેમના ગામના દુર્ગમ વિસ્તારમાં સ્થિત છે.

આ શોધમાં હડપ્પા કાળના અનેક વાસણો મળી આવ્યા છે. આ અવશેષો ધોળાવીરામાં મળી આવેલા અવશેષોને મળતા આવે છે. આ સાઈટ હડપ્પા કાળના (2600 – 1900 ઈસ પૂર્વ)ના બાદનો કાળ એટલે કે 1900-1300 ઈસા પૂર્વની લાગે છે. આ સાઈટ પર હજુ વધુ અધ્યયન બાદ આ સાઈટને લઈને અનેક મહત્વના ખુલાસા થાય તેવી શકયતાઓ છે.