December 27, 2024

સાંસદ મનસુખ વસાવાએ નર્મદામાં 24 કરોડના રસ્તાનું કર્યું ખાતમુહૂર્ત

પ્રવિણ પટવારી, નર્મદા: જિલ્લામાં જુનારાજ ગામ જંગલ વિસ્તારમાં હોવાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાનો પ્રશ્ન લટકી રહ્યો હતો. જે બાદ સેન્ટરલ ફોરેસ્ટ દ્વારા મંજૂરા મળતા રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 24.5 કરોડના ખર્ચે જિલ્લાના જુનારાજના મુખ્ય રસ્તાને બનાવવાની મંજૂરી અને ગ્રાન્ટ મળી ગઈ છે. ત્યારે આ રસ્તાના ખાત મુહૂર્ત માટે સાંસજ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિત નેતાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા.

લોકસભા ચૂંટણી માટે ધીરે ધીરે ઉમેદવારોના નામની જાહેરાત થઈ રહી છે. આ સાથે ઘણા સમયથી રોકાયેલા કામોના ખાત મૂહૂર્તો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત આજે નર્મદા જિલ્લાના જુનારાજના રસ્તાનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું છે. જીતઘઢથી જુનારાજ વચ્ચે 14 કિમીનો રસ્તો અને જુનારાજથી નીચલા જુનારાજ ગામ સુધીનો 4 કિલોમીટરનો રસ્તો આમ કુલ 18 કિલોમીટરના રસ્તાને 24.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ બંને રોડનું ખાતમુહૂર્ત સંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું.

ઘણા વર્ષોથી ગામ લોકો આ રસ્તાની માંગ કરી રહ્યા હતા. ત્યારે હવે ખાતમુહુર્ત થતા ગામ લોકોએ કહ્યું કે, હવે ગામમાં પ્રવાસીઓ આવશે. અમારું જુનારાજ ગામ પાણી વચ્ચે આવેલું ગામ છે. જ્યાં બોટ માર્ગે જ આવી શકાતુ હતું. હવે આટલા વર્ષે પાકો રસ્તો બનશે એટલે અમારા ગામમાં પ્રવાસીઓ આવશે. અમે પ્રવાસીઓને જમાડશું, બોટિંગ કરાવીશું, પ્રવાસીઓ માટે એક પર્યટન સ્થળ બનાવીશું જેથી અમારા લોકોની પણ આવક વધશે. આ પાક્કો રસ્તો અમારા ગામની સાથે અમારો પણ વિકાસ કરશે.