September 8, 2024

સાંસદ ધવલ પટેલે વાંસદાથી કરી લોકદરબારની શરૂઆત, લોકોની સમસ્યાઓ જાણવાનો કર્યો પ્રયાસ

જીગર નાયક, નવસારી: જનતાના પ્રતિનિધિ એટલે લોકો સુધી પહોંચે અને લોક પ્રશ્નોને વાચા આપે તે જરૂરી બની ગયું છે. અત્યારે વલસાડ લોકસભા બેઠક પર ચૂંટાયેલા યુવા સાંસદ ધવલ પટેલે વલસાડ લોકસભામાં નવો જ ચીલો ચાતરવાની પહેલ કરી છે. વાંસદા વિધાનસભા વિસ્તારના લોકોને સાંભળવા માટે દર મહિને જનતા દરબાર યોજવાની શરૂઆત કરી છે.

જનતાના પ્રતિનિધિ બનીને લોકોના પ્રશ્નોને નિરાકરણ લાવવું એ સારા રાજકારણીના લક્ષણો છે અને એ જ રાજનીતિ ઉચ્ચ શિખર પર પહોંચાડતી હોય છે. વાસદા લોકસભા પર ચૂંટાયેલા યુવા સાંસદ એવા ધવલ પટેલે પોતાના મતવિસ્તારને ન્યાય મળે તેની પહેલ શરૂ કરી છે. વાંસદા વિધાનસભા વિસ્તારમાં આવતા ચીખલી ખેરગામ અને વાંસદા વિસ્તારના લોકો માટે લોકપ્રશ્ન દરબારી યોજ્યો હતો જેમાં 200 થી વધુ લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને નિરાકરણ લાવવા માટેની બાંહેધરી આપવામાં આવી છે.

વાંસદા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા જનતા દરબારમાં વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા અને પોતાના મત વિસ્તારની તાલુકા પંચાયતો તેમજ અન્ય વિભાગોમાં ઓચિંતી મુલાકાત લઇ લોક સમસ્યા જાણવાનો સ્વયં પ્રયત્ન કર્યો હતો. સાથે જનતા દરબારમાં ટ્રાઈબલ સપ્લાન ઓફિસમાં ચાલતા મસ્ત મોટા ભ્રષ્ટાચાર બાબતે પણ લોકોએ સાંસદ ધવલ પટેલને રજૂઆતો કરી હતી જેને ગંભીરતાથી લઈ તપાસ કરાવવાની હૈયા ધરપત આપી છે.

એક તરફ બદલાયેલી રાજનીતિમાં લોકોની અપેક્ષાઓ વધી છે વિકાસની રાજનીતિમાં જનહિતના પ્રશ્નોને ઉકેલવા અને જન હિતમાં કામો કરવા લોકો સુધી પહોંચવું જરૂરી બની જવું છે ત્યારે ધવલ પટેલે પોતાના મતવિસ્તારમાં ઓચિંતી સરકારી કચેરીઓની મુલાકાત અને જનતા દરબાર યોજીને લોકોના પ્રશ્નો સાંભળવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ બ્રેક વિધાનસભા બેઠકો જીતી છે પરંતુ વાસદા વિધાનસભા જીતી શકી નથી ત્યારે ભાજપ માટે કર્ણાની જેમ ખૂટતી વાસદા વિધાનસભા વિસ્તારમાં વલસાડ સાંસદ ધવલ પટેલે નવતર પ્રયોગ કરી જનતાના દિલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો છે જે સફળ થશે કે કેમ એ સમયની રાજનીતિ નક્કી કરશે.