January 21, 2025

Rajkot : ઉપલેટામાં માતાએ 9 માસની બાળકી સાથે એસિડ ગટગટાવ્યું

ઉપલેટાના ભીમોરા ગામે ઘર કંકાશના કારણે પરિણીતાએ પોતાની 9 માસની માસુમ પુત્રીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવ્યું હતું. પરિણીતાએ આ પગલું ભર્યા બાદ પતિને ફોનથી જાણ કરતાં પરિવારજનો ઘરે દોડી ગયા હતાં અને માતા પુત્રીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ડોક્ટરે પરિણીતાને મૃત જાહેર કરી હતી તો બાળકીની હાલત ગંભીર હોવાથી તેને સારવાર હેઠળ રાખવામાં આવી છે.

સારવાર પહેલા પરિણીતાનું મોત
ઘટનાની વિગતો મુજબ, ઉપલેટાના ભીમોરા ગામે રહેતા મનીષાબેન જગાભાઈ મકવાણા (ઉ.22) નામની પરિણીતાએ રવિવારે બપોરે ઘરે એકલી હતી ત્યારે પોતાની 9 માસની માસુમ પુત્રી ધાર્મિને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું. આ બનાવ બાદ પરિણીતાએ વાડીએ કામે ગયેલા પતિ જગાભાઈ મકવાણાને ફોન કરી જાણ કરતાં પરિવારજનો ઘરે દોડી ગયા હતા અને માતા પુત્રીને બેભાન હાલતમાં હોસ્પિટલે લઈ ગયા હતાં. જ્યાં પરિણીતાનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.

ગૃહકંકાશના કારણે બની આ ઘટના
માસુમ પુત્રીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે પાટણવાવ પોલીસે પતિ જગાભાઈની ફરિયાદ પરથી પત્ની મનીષાબેન સામે પુત્રીની હત્યાનો પ્રયાસ કરવા અંગેનો ગુનો નોંધ્યો છે. પોલીસ પુછપરછ અનુસાર મઘરવાડા ગામની મનીષાના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. બનાવ સમયે પતિ, સાસુ અને દીયર વાડીએ કામે ગયા હતાં ત્યારે આવેશમાં આવી જઈ આ પગલું ભરી લીધું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ગૃહકંકાશના કારણે બનેલી આ ઘટનાના કારણે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.