October 7, 2024

Rajkot : ‘ખેલાડીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી થશે’

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓ સી.કે. નાયડૂ ટ્રોફી ચંદીગઢથી રમીને આવી રહ્યા હતા. એ સમયે એરપોર્ટ પર ખેલાડીઓના કીટમાંથી દારૂની બોટલો ઝડપાઈ હતી. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહનો વીડિયો સામે આવ્યો છે. જેમાં શાહે કહ્યું કે, આ સમગ્ર ઘટના અશોભનીય છે. જે ખેલાડીઓ દોષિત છે. તેમની સામે SCAની કમિટી કડક પગલા લેશે.

‘ખેલાડીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી થશે’
સમગ્ર ઘટના અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહે કહ્યું કે, ચંદીગઢ એરપોર્ટ પર જે બનાવ બન્યો તેની જાણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને થઈ છે. આ પ્રકારના બનાવ અનઇચ્છનીય છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની કમિટી દ્વારા આ સમગ્ર મામલાની તપાસ કરી જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઘટનામાં સૌરાષ્ટ્રના પાંચ ખેલાડીઓના નામ હાલ સામે આવ્યા છે. જેમાં પ્રશમ રાજદેવ, સમર્થ ગજ્જર, રક્ષિત મહેતા, પાશ્વરાજ રાણા, સ્મિતરાજ ઝાલાનો સમાવેશ થાય છે. ત્યારે આ મામલે હવે કમિટી ઘટનાની તપાસ કર્યા બાદ ક્રિકેટરો વિરુદ્ધ આકરી કાર્યવાહી પણ કરી શકે છે.

એરપોર્ટ પર પકડાયો દારૂ
સી.કે. નાયડુ ટ્રોફી રમવા માટે ચંદીગઢ ગયેલી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંડર-23 ટીમના ખેલાડીઓ જ્યારે રાજકોટ પરત આવી રહ્યા હતા. તે સમયે ચંદીગઢ એરપોર્ટ પર ક્રિકેટરોની કીટની કસ્ટમ વિભાગે ચકાસણી કરી હતી. આ તપાસમાં કીટમાંથી 27 બોટલ દારૂ અને 2 યુનિટ બિયર મળી આવી હતી.