કાજલ હિંદુસ્તાનીએ પાટીદાર દીકરીઓ પર કરેલા નિવેદન મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ
ડેનિસ દવે, મોરબીઃ કાજલ હિંદુસ્તાનીએ મોરબીના પાટીદારોની દીકરીઓ મામલે આપેલા વિવાદિત નિવેદન મામલે વિરોધનો વંટોળ ઉપડ્યો છે. ત્યારે કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા મનોજ પનારાએ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે.
આ બાબતે મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ‘આવાં નિવેદનને કારણે મોરબીની પાટીદાર દીકરીઓને પરણાવવામાં સમસ્યા ઊભી થાય. તેમજ કાજલ હિંદુસ્તાનીને “માઇકાસુર” તરીકે ગણાવી હતી. આવી વ્યક્તિના હાથમાં માઇક આપવું જ ન જોઈએ અને પાટીદારોએ આવી વ્યક્તિને કાર્યક્રમમાં બોલાવવી ન જોઈએ. તેમજ કાજલ હિન્દુસ્તાનીને માફી માંગવા માટે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેણે આ બાબતે માફી ન માંગી એટલે હવે કાયદાકીય પગલાં લેવામાં આવશે. તેમજ હજુ આગામી સમયમાં આ મુદ્દે હાઇકોર્ટે સુધી લડત આપવામાં આવશે.’
તો બીજી તરફ, SPG અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, કાજલબેને કરેલી ટિપ્પણી યોગ્ય નથી. કાજલબેન જ્યાં કાર્યક્રમો હશે ત્યાં અમે તેમનો વિરોધ કરીશું. પોલીસ ફરિયાદ કરનારા મનોજ પનારાને અમારો સપોર્ટ છે.
કાજલ હિંદુસ્તાની શું બોલ્યા હતા?
કાજહ હિંદુસ્તાની કહે છે કે, ‘મોરબીની એક જ કોલેજની પટેલની સાત દીકરીઓએ મુસલમાન બોયફ્રેન્ડ બનાવ્યા છે. હવે એ લોકો અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે, બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે. સાતેય મળીને મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની ફોર વ્હિલ ગિફ્ટમાં આપે છે. કારણ કે, પિતા પૈસા કમાવવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવાવમાં વ્યસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યાં છે, તિજોરીમાં કરોડો પડ્યાં છે અને તેમાંથી બે-પાંચ લાખ ચોરી લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર છે સોળ અને સત્તર વર્ષની.’