May 19, 2024

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના કડક પગલાં, કેમ્પસમાં કોઈ ધાર્મિક પ્રવૃતિ નહીં થાય

gujarat university Chancellor said no religious activities inside the campus

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ કડક પગલાં લીધા છે.

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં સર્જાયેલા વિવાદ મામલે કુલપતિએ પણ કડક પગલાં લીધા છે અને કેમ્પસમાં કોઈપણ ધાર્મિક પ્રવૃતિ ન કરવામાં આવે તેવો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં નમાઝ પઢવા મામલે પથ્થરમારાની ઘટના બની હતી.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યુ છે કે, ‘ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ધાર્મિક પ્રવૃતિ નહીં થઈ શકે. નમાઝ નહીં અન્ય કોઈપણ ધાર્મિક પ્રવૃતિ નહીં કરી શકાય. ધાર્મિક પ્રવૃતિઓ ધાર્મિક સ્થાન અથવા તો રૂમમાં થઈ શકશે. હોસ્ટેલમાં પણ કોઇપણ બહારના વિદ્યાર્થીઓ નહીં જઈ શકે. આ ઉપરાંત મુલાકાતીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.’ મહત્વનું છે કે, હોસ્ટેલમાં તપાસ દરમિયાન 7થી 8 વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સામે આવ્યું છે.

અત્યાર સુધીમાં આ મામલે પોલીસે કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત તમામ વીડિયો અને ફૂટેજને આધારે આગળની કાર્યવાહી ચાલુ છે. આ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ નિષ્પક્ષ રીતે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

પોલીસ કડક કાર્યવાહી કરશેઃ કમિશનર
ગુજરાત યુનિવર્સિટીમાં પથ્થરમારા મામલે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યુ હતુ કે, ‘ગુજરાત યુનિવર્સિટીમાં 300થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. તેના એ બ્લોકમાં 75 વિદ્યાર્થીઓ રહે છે. તે રાતના સમયે નમાઝ અદા કરી રહ્યા હતા. ત્યારે 20-25 વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી-મારામારી કરી હતી. આ ઉપરાંત રૂમમાં તોડફોડ પણ કરી છે. અમને કંટ્રોલ રૂમમાં ફોન આવતાંની પાંચ મિનીટમાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.’ તેઓ કાર્યવાહી અંગે જણાવે છે કે, ‘હાલ આ મામલે કાર્યવાહી કરવા માટે 9 ટીમ બનાવવામાં આવી છે. જેમાં 5 ડીસીપીની ટીમ 4 ક્રાઇમની બ્રાન્ચની ટીમ સામેલ છે. હાલ એક આરોપીની ઓળખ કરવામાં આવી છે. સાંજે કાર્યવાહી બાદ તેની ધરપકડ પણ કરવામાં આવશે. આ આરોપી કોઈ સંસ્થા સાથે જોડાયેલો છે. પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરશે. પોલીસ તમામ વીડિયોની તપાસ કરશે અને તેને આધારે પણ કાર્યવાહી કરશે. આ મામલે રાતે જ સિક્યોરિટીએ ફરિયાદ નોંધાવી છે. ત્યારે ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.’

શું હતો સમગ્ર મામલો?
ગુજરાત યુનિવર્સિટીના એ-બ્લોક કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. અફગાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, આફ્રિકા અને ઉઝબેકિસ્તાનના વિધાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે કેમ્પસમાં અજાણ્યા ટોળાએ આવીને વિદ્યાર્થીઓનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીએ પથ્થર મારતા સામે ટોળાએ પણ પથ્થરમારો કર્યો હતો. હાલ તમામ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ પણ ગોઠવી દેવામાં આવ્યું છે. કટ્ટર અસામાજિક તત્વોના ટોળાએ વિદ્યાર્થીઓના વ્હિકલમાં તોડફોડ પણ કરી હતી. આ ઉપરાંત હોસ્ટેલના રૂમમાં પણ તોડફોડ કરવામાં આવી છે.