December 22, 2024

મોરબીમાં સિરામિક ફેક્ટરીમાં કામ કરનારા શ્રમિકોમાં ફેફસાંની બીમારીનો વધારો

morbi ceramic factory workers Increase lung disease

મોરબીની સિરામિક ફેક્ટરીમાં કામ કરનારા શ્રમિકોમાં મોટા પ્રમાણમાં આ સમસ્યા જોવા મળી છે.

ડેનિસ દવે, મોરબીઃ ઉદ્યોગોને કારણે વાતાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ત્યારે મોરબીની સિરામિક પ્રોડક્ટના કારખાનામાં કામ કરતા શ્રમિકોમાં ફેફસાંની બીમારી સિલિકોસિસનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને આ બીમારીથી હાલમાં અનેક લોકો પીડાઈ રહ્યા છે.

સિલિકોસિસ ફેફસાંની બીમારી છે, જે બારીક રજકણો શરીરમાં પ્રવેશવાથી થતી હોય છે. સિરામિક ઉત્પાદનમાં સેનેટરી વેરની પ્રોડક્ટને પોલિશ કરવા માટે કરવામાં આવતું ઘસાઈ કામમાં અત્યંત બારીક રજકણો ઊડતા હોય છે. તે શ્વાસ મારફતે માણસના શરીરમાં પ્રવેશ કરતા હોય છે અને ફેફસાં સુધી પહોંચે છે અને આવું કામ અનેક વર્ષો સુધી કરવામાં આવે ત્યારબાદ આ રજકણો ધીરે ધીરે ફેફસાંને ચોકઅપ કરી દે છે.

ફેફસાંને શ્વસન પ્રક્રિયા કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. ધીરે ધીરે આ મુશ્કેલી વધતી જાય છે. આ બીમારીનો કોઈ સચોટ ઈલાજ નથી. ફેકટરી દ્વારા આ પ્રકારના ઘસાઈ કામ માટે અલગ રૂમ – હોલની વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. કારણ કે, ત્યાં કામ કરતા સિવાયના અન્ય શ્રમિકોના શરીરમાં આ રજકણો પ્રવેશે નહીં અને ડસ્ટ કલેકટર પણ મૂકવામાં આવતા હોય છે. આ સાથે જ શ્રમિકોને કોટનનું ભીનું કપડું અથવા માસ્ક બાંધવા માટે પણ સૂચનો આપવામાં આવતા હોય છે. છતાં પણ અનેક શ્રમિકો આવી સૂચનાઓનું પાલન કરતા નથી. અંતે આ પ્રકારની બીમારીનો ભોગ બને છે.

તેમજ આ બીમારીમાં શરૂઆતમાં કંઈ ખબર નથી પડતી, પરંતુ સમય જતાં શ્વાસ લેવામાં તકલીફ વધે ત્યારબાદ લોકો નિદાન કરાવતા હોય છે. આ બીમારી વિશે ખબર પડતી હોય છે. ત્યારે આ બીમારીનું પ્રમાણ વધવાનું ધ્યાને આવતા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા બીમારીઓના ભોગ બનેલા લોકોને આઇડેન્ટી ફાઈ કરીને તેમને શક્ય તમામ મદદ કરવા માટે કમરકસી છે. તેમજ સમયાંતરે આ કામદારોના સિલિકોસિસ સહિતના તમામ ટેસ્ટ કરવાની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

મોરબીના સેનેટરી વેરના કારખાનામાં 20 વર્ષ નોકરી કરીને એક યુવાન આ બીમારીથી પીડિત થયો છે અને હાલમાં તે ઘરે જ પોતાનો સમય પસાર કરે છે. આ સાથે જ તેને સતત ઓક્સિજન મળતો રહે તે માટે ઓક્સિજન પાઇપ સતત ફીટ કરેલી રાખવી પડે છે. આ બીમારીને કારણે યુવકની જીંદગી બેહાલ બની છે. તેનાં વૃદ્ધ પિતા મજૂરી કરીને તેના પુત્રની દવા કરાવે છે અને પુત્ર-પુત્રીનો ભણવવાનો ખર્ચ પણ ઉપાડે છે.