January 24, 2025

‘બાંગ્લાદેશની વચગાળાની સરકારે માગી માફી, કહ્યું- ‘હિંદુઓની રક્ષા ન કરી શક્યા’

Bangladesh: મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે સોમવારે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા બદલ માફી માગી હતી. ગૃહ બાબતોના સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) એમ સખાવત હુસૈને સ્વીકાર્યું કે તેઓ લઘુમતી હિંદુ સમુદાયનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બની છે.

હુસૈને મીડિયાને કહ્યું, અમે હિન્દુઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા. હું હાથ જોડીને માફી માંગું છું. તેમણે કહ્યું કે, આપણા લઘુમતી ભાઈઓની રક્ષા કરવી એ બહુમતી સમુદાયની ફરજ છે. જો તેઓ આમ નહીં કરે તો તેમણે જવાબ આપવો પડશે કે તેઓ સુરક્ષા આપવામાં કેમ નિષ્ફળ ગયા. એ પણ આપણા ધર્મનો એક ભાગ છે કે આપણે આપણા લઘુમતીઓનું રક્ષણ કરવું જોઈએ. હું મારા લઘુમતી ભાઈઓની માફી માંગુ છું.

તેમણે કહ્યું કે, દેશ અરાજકતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. પોલીસ પોતે પણ સારી સ્થિતિમાં નથી, તેથી હું સમાજને લઘુમતીઓનું રક્ષણ કરવા વિનંતી કરું છું. તેઓ અમારા ભાઈઓ છે અને અમે બધા સાથે મોટા થયા છીએ. બીજી તરફ હિંદુઓ પર થયેલા હુમલાના વિરોધમાં લોકોના ટોળા એકઠા થયા હતા. બાંગ્લાદેશના ગોપાલગંજ શહેરમાં સોમવારે હિન્દુઓ પર થયેલા હુમલાના વિરોધમાં હજારો લોકો એકઠા થયા હતા. દેશના વિવિધ ભાગોમાં લઘુમતી સમુદાયો પર થતા અત્યાચાર સામે લોકોએ માનવ સાંકળ બનાવીને પ્રદર્શન કર્યું.

અહેવાલો અનુસાર, શહેરના પ્રેસ ક્લબની સામે બંગબંધુ રોડ પર ‘ધાર્મિક લઘુમતી સમુદાય’ના બેનર હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પુજા ઉજાપન પરિષદના પ્રમુખ મૃણાલ કાંતિ રોય ચૌધરી, પૂર્વ પ્રમુખ ડો.અસિતકુમાર મલિક સહિતનાઓએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દેશભરમાં લઘુમતી સમુદાય પર અત્યાચાર થઈ રહ્યો છે. હિન્દુઓના મંદિરો, ઘરો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે ઘટનાની તાત્કાલિક તપાસ કરવા અને દોષિતોની ધરપકડ કરીને તેમને ન્યાય અપાવવાની માંગ કરી છે.

આ પણ વાંચો: ચેન્નાઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, વિદેશી પ્રાણીઓની દાણચોરીમાં 2ની ધરપકડ; 22 પ્રજાતિઓ જપ્ત

હિંદુઓ પર હુમલાના વિરોધમાં અમેરિકામાં વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયો પરના હુમલાઓ સામે રવિવારે પણ યુ.એસ.માં વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા. હ્યુસ્ટનના સુગર લેન્ડ સિટી હોલમાં 300 થી વધુ ભારતીય-અમેરિકનો અને બાંગ્લાદેશી મૂળના હિન્દુઓ એકઠા થયા હતા. દેખાવકારોએ રાષ્ટ્રપતિ જો બિડેનને બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરવાની અપીલ કરી હતી.

આયોજકોએ બાંગ્લાદેશમાં લઘુમતીઓની તાત્કાલિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. તેમણે બાઇડન વહીવટીતંત્રને માનવતા વિરુદ્ધના ઘૃણાસ્પદ ગુનાઓ દરમિયાન મૂંગા દર્શક ન રહેવા વિનંતી કરી. આયોજકોએ બાંગ્લાદેશી હિંદુઓને સાવચેત રહેવા, પરિસ્થિતિ પર નજર રાખવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં સાથે મળીને જરૂરી પગલાં લેવા પ્રોત્સાહિત કર્યા.

ગ્લોબલ વોઈસ ફોર બાંગ્લાદેશ લઘુમતી દ્વારા ‘સેવ હિન્દુઝ ઇન બાંગ્લાદેશ’ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું. તે હ્યુસ્ટનમાં મુખ્ય હિન્દુ જૂથોનું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી સંસ્થા છે, જેમાં મૈત્રી, અમેરિકાની વિશ્વ હિન્દુ પરિષદ (VHP), હિન્દુએક્શન, હિન્દુપેક્ટ, હ્યુસ્ટન દુર્ગાબારી સોસાયટી, ઇસ્કોન, વૈશ્વિક કાશ્મીરી પંડિત ડાયસ્પોરા અને અન્ય ઘણા જૂથોનો સમાવેશ થાય છે.