November 24, 2024

SVPI એરપોર્ટ ખાતે મોકડ્રીલનું આયોજન, ઈમરજન્સી સમયે કેવી તકેદારી રાખવી જોઈએ?

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા અગમચેતી વર્તે છે. બુધવારે એ જ અગમચેતીને અનુસરતા એક સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર કટોકટીની પરિસ્થિતીને પહોંચી વળવાની કવાયતમાં વિવિધ એજન્સીઓ સહિત 800થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ આપાતકાલિન પરિસ્થિતીઓમાં ઝડપી અને કાર્યક્ષમ પ્રતિસાદની ખાતરી કરવાનો હતો.


બુધવારે સવારે 11:30 થી બપોરે 1:30 સુધી હાથ ધરવામાં આવેલી ડ્રીલમાં શહેર પોલીસ, ફાયર બ્રિગેડ, NDRF ટીમો, CISF કર્મચારીઓ, એરલાઇનના પ્રતિનિધિઓ, શહેરની હોસ્પિટલો, રેડ ક્રોસ અધિકારીઓ અને અન્ય કેન્દ્ર સરકારની એજન્સીઓ સહિત 800 થી વધુ સહભાગીઓ જોડાયા હતા. વિમાન અકસ્માતના સંજોગોમાં સર્જાતી પરિસ્થિતીઓને પહોંચી વળવા આ ડ્રીલનું ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

મોક ડ્રીલમાં એરપોર્ટના ઈમરજન્સી રિસ્પોન્સ પ્રોટોકોલ્સ અને સહભાગી એજન્સીઓના સંકલનનું સફળતાપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ડ્રીલની ખાસ વાત તો એ રહી કે, તેમાં એરપોર્ટની કામગીરીમાં કોઈપણ જાતની ખલેલ કે સ્થાનિકોને અસુવિધા પહોંચાડ્યા વિના પાર પાડવામાં આવી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આ વ્યાપક મોક ડ્રીલ દરેક માટે સલામત અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાની એરપોર્ટની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.